SHUKAN

SHUKAN

સંવેદનશીલ લઘુકથાઓની ચોટદાર રજૂઆત

પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ .

ગુજરાતી સાહિત્યમાં આજના યુવાનોને રસ પડે એવું સાહિત્ય એટલે ટૂંકી અને ટોચદાર લઘુકથાઓને ગણી શકાય. લઘુકથાનાં જનક ગણાતાં સ્વ. મોહનલાલ પટેલે ગુજરાતી સાહિત્યને આપેલી આ અણમોલ ભેટ છે. તેમનાં અવસાન બાદ લઘુકથા ક્ષેત્રે ખૂબ જ અદ્ભુત ખેડાણ થયું છે. લઘુકથા ક્ષેત્રે જેમણે આપણને ખૂબ જ અદ્ભુત લઘુકથાઓ આપી છે તેવા પ્રમુખ સર્જકોમાં સ્વ. હરીશ મહુવાકર, શ્રી પ્રેમજી પટેલ, શ્રી રમેશ ત્રિવેદી, શ્રી જનક ત્રિવેદી છે. અત્યારે પણ લઘુકથા ક્ષેત્રે ખૂબ જ ઉત્તમ રચનાઓ આપણને માણવા મળે છે. જેમાંથી અમુક લેખકોને આપણે યાદ કરીએ તો શ્રી માણેકલાલ પટેલ, શ્રી હેમલ વૈષ્ણવ, શ્રીમતી નસીમ મહુવાકર, શ્રીમતી ગિરા પીનાકીન ભટ્ટ અને આજે જેમને માણીશું તે ‘ શુકન ‘ લઘુકથાસંગ્રહ અને તે પુસ્તકનાં સંવેદનશીલ સર્જક શ્રી હરિવદન જોશી.

લઘુકથાકાર શ્રીમતી ગિરા પીનાકીન ભટ્ટનાં શબ્દોમાં જ લેખકનો પરિચય માણીએ, ‘ ‘ શુકન’ લઘુકથા સંગ્રહના આ સર્જક સરળ, સાદગીને વરેલા, નિરભિમાની, નિખાલસ, ઋજુ અને અત્યંત સંવેદનશીલ છે. એમણે સાહિત્યનાં બધાં પ્રકારોમાં ખેડાણ કર્યું છે. સર્જક માત્રને સંવેદના સાથે સીધો સંબંધ હોય છે. પણ આ સર્જકનું સંવેદન સૂક્ષ્મ અને તીવ્ર છે. એમની લઘુકથાઓમાં સામ્પ્રત સમસ્યાઓ, સમાજ દર્શન, તો ક્યારેક યુવાહૈયાઓનું ભાવજગત ડોકાય છે. રોચક શૈલી અને ચોટદાર અંતને કારણે પ્રસ્તુત વાર્તાઓ વાચનક્ષમ, આસ્વાદ્ય અને હ્દયસ્પર્શી બની છે. ‘

લેખકનાં આ ઓગણીસમાં પુસ્તક વિશે પ્રખ્યાત લઘુકથાકાર શ્રી પ્રેમજી પટેલ પોતાની સંવેદના વ્યક્ત કરતાં કહે છે, ‘ ‘ શુકન’ માં કૌટુંબિક, વ્યક્તિ પ્રણયની તેમજ સામ્પ્રત સામાજિક સમસ્યાઓને સ્ફૂટ કરતી વિવિધ સંવેદનાઓની રચનાઓ સારી સંખ્યામાં છે. તેમની બીજી મહત્વની વિશેષતા કૃતિનો ચમત્કૃતિવાળો ઉચિત અંત છે, જે વાચક હ્રદયને ભાવથી ઝંકૃત કરી દે છે. તેમની કલમ આ ચોટદાર લઘુકથાઓ સહજ સર્જી શકે છે; જેનાથી કોઈપણ ભાવક રસાનંદથી ભીંજાયા વિના રહી શકશે નહીં.’

આ ‘ શુકન’ માં વાચકો માટે સરપ્રાઈઝ છે, શેઠની ભેટ છે, રાખડી છે, મેળો છે, બા નો બોયફ્રેન્ડ છે, સુકાં ફૂલની લીલી સુગંધ છે, પહેલો વરસાદ છે, હંસાબહેનનું રાજીનામું છે. અહીં પ્રસુતિની પીડા છે, ગરીબનાં આંસુ છે, વસુધાનું વહાલ છે, અધૂરું ગીત અને રંગોળીનાં રંગોથી ભરેલું આ એક હ્દયસ્પર્શી પુસ્તક છે. અનેક પુરસ્કારો પ્રાપ્ત કરેલ લેખક શ્રી હરિવદન જોશીનું આ ‘ શુકન’ સંવેદનશીલ ભાવકોએ લેવું જ રહ્યું.

પુસ્તક પ્રકાશક : નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશન, સુરત

કિંમત : ₹ ૧૯૯/-

Previous Article
Next Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Select your currency
INR Indian rupee
Have no product in the cart!
0