ર્હૃદયનાં સંબંધોની કથા: એક યાત્રા આવી પણ…

પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ.

અમેરિકામાં રહેતી ‘રિયા’ ૨૦ વર્ષની થઈ ગઈ છે. તેને જન્મથી પાંચ વર્ષ સુધી ઉછેરેલ તેની નેની ‘ અનન્યા’ તેને હજુ પણ યાદ આવે છે. રિયા પાસે અનન્યાએ લખેલી ડાયરી છે, પરંતુ તેને ગુજરાતી વાંચતાં નથી આવડતું. તેવામાં ફેસબુક પર તેનો ‘ કૃતિ’ સાથે સંપર્ક થાય છે.‌ અમદાવાદમાં રહેતી કૃતિ ભણવા માટે અમેરિકા જાય છે. રિયા, કૃતિની મદદ કરે છે. કૃતિ, રિયા પાસે રહેલી અનન્યાની ડાયરી તેને વાંચી સંભળાવે છે.‌ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત રિયાને હવે ભારત જવું છે, તેની નેની ‘અનન્યા’ને મળવું છે. રિયા ‘અનન્યા’ ને મળવાં માટે કેમ આટલી બધી આતુર છે? કેમ અનન્યા અચાનક ‘રિયા’ ને છોડીને ભારત પરત ચાલી ગઈ? અનન્યા અત્યારે ભારતમાં શું કરે છે? રિયાના માતા – પિતા, રિયાથી શું છુપાવી રહ્યાં છે? શું રિયા અને અનન્યાની મુલાકાત થઈ શકશે? રિયાની ભારતયાત્રા કેવી રહેશે? આ બધાં સવાલો ઉદ્ભવે છે, નવલકથા ‘એક યાત્રા આવી પણ…’ વાંચતાં વાંચતાં અને જ્યારે તે સવાલોનાં જવાબો આપણને વાંચવાં મળે છે ત્યારે આપણું મન જાણે તૃપ્તિનો અનુભવ કરે છે.

સાહિત્યકાર, કવયિત્રી, શિક્ષણવિદ્, સમાજસેવિકા અને પ્રખર વક્તા શ્રીમતી પ્રજ્ઞા વશીની ઈનામ વિજેતા લઘુનવલ ‘અભિતપ્ત’ નો ઉત્તરાર્ધ એટલે આ નવલકથા ‘એક યાત્રા આવી પણ…’. લેખિકા પોતાની અંગત વાત કરતાં લખે છે, ‘લઘુનવલ ‘અભિતપ્ત’ જેમ જેમ લખાતી ગઈ તેમ તેમ મનમાં એક વિચાર પાંગરતો રહ્યો કે આ લઘુનવલનાં પાત્રો જગત જ્યારે કોરોનામુક્ત હશે ત્યારે શું કરતાં હશે? આ વિચારબીજ એક વટવૃક્ષ બનીને નવલકથા લખવા માટે ટકોરા મારતું રહ્યું. ‘અભિતપ્ત’ લઘુનવલ વાચનારે ‘એક યાત્રા આવી પણ…’ નવલકથામાંથી પસાર થવું જ પડશે. એનું કારણ છે ડાયરી. એક એવી ડાયરી કે જે ‘એક યાત્રા આવી પણ…’ની નાનકડી રિયાને ભારતની સંસ્કૃતિ જોવા-જાણવા ભારત સુધી ખેંચી લાવે જ છે પણ સાથેસાથે એનાં સંપર્કમાં આવનારને પણ વિચારતા કરી મૂકે છે. નાનકડી રિયાને અનન્યાએ પોતાની સગી દીકરીની જેમ ઉછેરી છે. એ દીકરીથી છૂટા પડ્યા પછી શું અનન્યા એ દીકરીને મળી શકશે ખરી? કે પછી એની જીવનયાત્રા અધૂરી ઈચ્છાઓની પોટલી ઊંચકીને નવી નવી અગ્નિપરીક્ષા આપવામાં જ પુરી થઈ જશે? બને એટલી સરળ – સહજ શૈલીમાં મેં આ કથાને આગળ વધારી છે. આપણી આસપાસ આવી અનેક સંબંધોની કથા વણાતી રહેતી હોય છે અને કદાચ એમાંથી જ એક કથા હું આકારી શકી છું એનો મને આનંદ છે.’

પ્રોફેસર શ્રીમતી દક્ષા વ્યાસ પોતાનો અહોભાવ વ્યક્ત કરતાં લખે છે, ‘જીવન એક યાત્રા છે. એ દુઃખદાયી- કષ્ટદાયી કે આનંદદાયી- સુખદાયી હોય છે. ભવિષ્યની આશા જ માણસને જીવવાનું બળ આપે છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે પાંચ વર્ષની વય સુધી બાળકનાં વ્યક્તિત્વનો નકશો તૈયાર થઈ જાય છે. આ અબુધ અવસ્થામાં મળેલી મમતા રિયાના ર્હૃદયમાં ભારત અને ભારતીય નેની અનન્યા પ્રત્યે સતત અહોભાવ અને ખેંચાણ જન્માવે છે. આ નવલકથામાં બધું સમથળ ભૂમિકા ઉપર બનતું રહે છે. નરસિંહરાવ કહે છે તેમ જીવન માત્ર દુઃખપ્રધાન જ હોય એવું નથી, સુખપ્રદાન પણ હોઈ શકે. એ રીતે આ એક આશાવાદી ને શુભવાદી કથા બની રહે છે.’

સાહિત્યકાર શ્રી બકુલેશ દેસાઈ અને શ્રીમતી ઉષા ઉપાધ્યાયે પણ આ પુસ્તકને તેમની શુભેચ્છાઓ પાઠવી છે. જુદાં જુદાં ક્ષેત્રોનાં અનેક સાહિત્યક એવોર્ડ્સ મેળવનાર લેખિકા શ્રીમતી પ્રજ્ઞા વશીનું આ બારમું પુસ્તક છે. નિવૃત્તિ પછી પણ શ્રીમતી પ્રજ્ઞા વશીની સાહિત્યયાત્રા ખૂબ પ્રગતીશીલ રહી છે.

લોહીનાં સંબંધો કરતાં પણ ચડિયાતાં પુરવાર થતાં ર્હૃદયનાં સંબંધોને આલેખતી આ ર્હૃદયસ્પર્શી નવલકથા, જ્યાં પૂર્ણ થાય છે, ત્યાંથી જ ફરીથી ભાવકનાં મનમાં શરૂ થાય છે અને દરેક ભાવકનો એક જ ર્હૃદયોદ્ગાર હોય છે ‘ એક યાત્રા આવી પણ…’.

યાત્રાનો એક અંશ

‘ જિંદગી માત્ર શ્વાસોના ઢેર વેંઢારવાની પ્રક્રિયા નથી, જિંદગી તો સપનાં અને વાસ્તવની વચ્ચેનો એક આહ્લાદક મુકામ છે, જે આપણે આપણી હકારાત્મક દ્રષ્ટિએ માણવાનો છે. આ મુકામમાં રોમાંચ છે, પ્રેમ છે, સૌંદર્ય છે, શાંતિ છે, ગતિ છે, કલ્પનાનાં રંગો છે તેમજ સંબંધોની સુવાસ છે. આ રંગો અને સંબંધો વિનાનું જીવન એટલે માત્ર શ્વાસોનું સ્મશાન અને એક સન્નાટો.’

પુસ્તક પ્રકાશક: સાહિત્ય સંગમ, સુરત.

મોબાઈલ: 96871 45554

કિંમત: ₹ ૧૩૦/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

બાળકેળવણી શીખવતું અનોખું પુસ્તક.

પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ.

‘બાળકની પાસે કુતૂહલ છે, જિજ્ઞાસા છે, અનુકરણ છે. અવલોકન છે, કલ્પના છે. બાળપણની ભરપૂર તાકાત છે. જોમ છે, જુસ્સો છે અને આનંદ છે. આ બધાંની સાથે તેનામાં પડેલા ચૈતન્ય પ્રત્યે, આંતરિક મનોબળ વિશે, તેની શારીરિક ક્ષમતાઓ વિશે તેને જાગૃત કરવાનો છે.’ – ડૉ. કિરીટભાઈ ડી. ચૌહાણ.

ઈશ્વરનાં અંશ રૂપી બાળકને આપણે ઝડપથી બધું શીખવાડી દેવું છે, હોંશીયાર બનાવી દેવું છે, પરંતુ બાળકને સાચી કેળવણીથી દૂર કરી દેવું છે. બાળકની જિજ્ઞાસાવૃત્તિ, તેનો પ્રકૃતિપ્રેમ વિકસવા નથી દેવો. કારકિર્દીની આ દોડમાં જાણે મારું જ બાળક જીતી જાય, તે હદે જ્યારે બાળક પર માતા-પિતા અને શિક્ષકો દ્વારા અત્યાચાર થતો હોય છે, તેવાં સમયે ખરેખર બાળકને શીખવાની સાચી રીતો કઈ છે? તેવું પાયાની જાણકારી આપતું અનોખું પુસ્તક એટલે, ‘બાળકની શીખવાની રીતો.’

વ્યવસાયે શિક્ષક હોવાથી બાળકેળવણી પ્રત્યે વધારે ચિંતનશીલ એવાં ડૉ. કિરીટભાઈ ડી. ચૌહાણનાં શૈક્ષણિક લેખો અચલા, પ્રગતિશીલ શિક્ષણ, બાલરંજન, ભાવિક પરિષદ જેવાં શૈક્ષણિક સામયિકોમાં પ્રસિદ્ધ થાય છે. ‘બાળકની શીખવાની રીતો’ તેમનું, દરેક માતા-પિતા અને શિક્ષકોને બાળકેળવણી શીખવતું અનોખું પુસ્તક છે. લેખક શ્રી પ્રસ્તાવનામાં લખે છે, ‘અત્યારનાં માહોલમાં ભાવિ જીવનની તૈયારી સ્વરૂપે, શિક્ષણની સાથે ઘણું જ શીખવી દેવાં ઈચ્છતાં માતા-પિતાઓ (શિક્ષણ સંસ્થાઓ પણ), વ્હાલસોયા બાળકના બાળપણનો જ ભોગ જાણતાં-અજાણતાં લેતાં હોય છે. શિક્ષણમાં/સ્પર્ધામાં ૧૦૦% ની સિદ્ધિની લાલસામાં બાળપણને તો સતત સંઘર્ષમાં જ ઉતરવું પડતું હોય છે!! ત્યારે બાળકનાં મનને સમજીને તેને શીખવવાની યોગ્ય રીતો અપનાવવામાં આવે તો, તેનાં બાળપણને ન્યાય મળી રહે.’

બાળકોમાં અવલોકન શક્તિ વિકસાવવી, શ્રવણ-કૌશલ્ય કેળવવું, પ્રકૃતિનો સ્પર્શ આપવો જેવાં વિવિધ લેખોમાં લેખકે ખૂબ જ સરળતાથી દરેક માતા-પિતા તથા શિક્ષકો માટે ઉપયોગી જ્ઞાનનું ભાથું પીરસ્યું છે. પોતાનાં વ્હાલસોયા બાળકનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આ અનોખું પુસ્તક આપણે વાંચવું જ રહ્યું.

પુસ્તક પ્રકાશક: રેડશાઈન પબ્લિકેશન પ્રા. લિ., લુણાવાડા.

મોબાઈલ: 7698826988

કિંમત: ₹ ૧૨૫/-

પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: 9601659655

2 thoughts on “BALAKONI SHIKHAVANI RITO”

  • Vijay Mahera
    April 19, 2023 at 10:24 pm

    ખુબજ સુંદર

  • Sunil Makwana
    April 19, 2023 at 10:33 pm

    Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

પ્રસિઘ્ધ હાસ્યલેખકની જીવનઘડતરકથા

પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ

શું કોઈ હાસ્યલેખક તમને તેમનાં લેખનથી રડાવી શકે? હાસ્યલેખક કેવાં સંવેદનશીલ હોય છે તે તમે જાણો છો? આવાં જ એક સફળ હાસ્યલેખક જ્યારે પોતાની અંગત વાતો, પોતાનાં જીવન ઘડતરની કથા, પોતાની બાળપણની કેળવણીથી ઉચ્ચશિક્ષણ મેળવવાં સુધીની યાત્રાની રોમાંચક વાતો કરે છે, ત્યારે વાચકો અને ભાવકો આ વાતોમાં ચોક્કસથી રસતરબોળ થઈ જાય છે. હું વાત કરું છું આપણાં સૌનાં પ્રિય હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરની.

શ્રી રતિલાલ બોરીસાગરનો જન્મ થયો હતો, સાવરકુંડલામાં. આ સાવરકુંડલામાં વહેતી નદી ‘નાવલી’. આ નાવલી નદી લેખકનાં જીવનનો અતૂટ હિસ્સો છે. બસ, ત્યાંથી શરુઆત થાય છે લેખકની આ આત્મકથા કહો કે અંગત નિબંધોની જેનું નામ છે, ‘ક્યાં છે મારી નદી?’.

વરિષ્ઠ સર્જક-વિવેચક શ્રી ધીરેન્દ્ર મહેતા પ્રસ્તાવનામાં લખે છે, ‘સમગ્ર રીતે જોતાં આપણાં ગ્રામસમાજના નિમ્ન મધ્યમવર્ગના કુટુંબના હૂંફાળા વાતાવરણ વચ્ચે ઊછરી રહેલા એક શિશુની, યુવાવસ્થામાં પ્રવેશ પર્યંતની, આ કેળવણીકથા છે – હ્દયની કેળવણીની અને વિદ્યાકીય કેળવણીની, એ શિક્ષાર્થી સ્વયં શિક્ષક બન્યો ત્યાં સુધીની. આ કથાનાં શરૂઆતના અંશો- ‘આંબલી શેરી’ અને ‘ક્યાં છે મારી નદી?’ હ્દયની કેળવણીની વાત કહે છે અને પછીનાં અંશો વિદ્યાકીય કેળવણીની, એમ આપણે કહી શકીએ. અલબત્ત, એ બંને મળીને લેખકની જીવનઘડતરકથા માંડે છે. આખી કથા સાફસૂથરી ભાષામાં વિશદ રીતે કહેવાઈ છે. એનું ગદ્ય ખાંચાખૂંચી- વિહોણું પ્રાસાદિક અને સંમાર્જિત છે. વચ્ચેવચ્ચે આવતાં સાહિત્યિક સંદર્ભોથી નિરૂપણ રસાત્મક બને છે.’

લેખક શ્રી રતિલાલ બોરીસાગર પુસ્તકની ભૂમિકા બાંધતા લખે છે, ‘વર્ષ ૧૯૯૯થી વર્ષ ૨૦૦૫ સુધી હું ‘અખંડ આનંદ’ના સંપાદન-કાર્યમાં જોડાયો હતો. આ અરસામાં દીપોત્સવી અંક માટે આ અંગત નિબંધો લખવાની શરૂઆત કરી હતી, ત્યારબાદ ‘પરબ’ માટે અમુક નિબંધો લખાયાં. આ પછી વિચાર આવ્યો કે તરુણવય સુધીનાં સંસ્મરણોનું નાનકડું પુસ્તક કરું. વર્ષ ૨૦૨૦માં મારું હાસ્યરસનું એકેય પુસ્તક તૈયાર થયું નહીં એટલે વળી, અંગત નિબંધોનું પુસ્તક તૈયાર કરવાનો વિચાર મનમાં ઝબક્યો! મારા કૉલેજશિક્ષણ અને છાત્રાલયશિક્ષણનાં સંસ્મરણો લખવાં શરૂ કર્યાં. આ લેખો અહીં પહેલી જ વાર પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. આ બધાં લેખોમાં મારું હ્રદય કેન્દ્રસ્થાને છે. મારાં સંવેદનોનું આ અક્ષરરૂપ છે. આ લેખો લખીને મારી ચેતનામાં વ્યાપી ગયેલાં સૌ પ્રત્યે મારું ઋણ અદા કર્યું હોય એવી લાગણી મને થાય છે.’

‘હૈયે પગલાં તાજાં…’ અને ‘ઉચ્ચશિક્ષણની અધૂરી યાત્રા…’ એમ બે વિભાગમાં વહેંચાયેલી લેખકની આ જીવનકથા લેખકનો જન્મ થયો હતો તે ‘આંબલી શેરી’ થી શરૂ કરીને ‘ ઉચ્ચશિક્ષણનું એ એક વરસ – ૨’ પર પૂર્ણ થાય છે. કેટલીક દુર્લભ તસવીરોથી સજ્જ આ પુસ્તક લેખકનાં હ્દયની ખૂબ જ પાસે છે, તેવી અનુભૂતિ ચોક્કસ થાય છે. નદીની આપણી સંસ્કૃતિ લેખકનાં હ્દયમાં આજે પણ અંકિત થયેલી છે, એટલે જ લેખકે આ પુસ્તકનું શીર્ષક’ ક્યાં છે મારી નદી?’ રાખ્યું છે. આવો, આપણે પણ તે નદીની રેતીમાં થોડા આળોટીએ.

‘એક કાળે સાવર અને કુંડલા બે ગામ હશે. એ બે ગામની બરાબર વચ્ચે નાવલી વહેતી હતી – માતા જાણે બંને હાથની એકેક આંગળીએ પોતાનાં બે શિશુઓને વળગાડીને ચાલી જતી હોય એવી નદી! સાવરકુંડલા જવાનું થાય ત્યારે દિવસમાં એક-બે વાર નાવલી નદીનાં પટ પાસેથી નીકળવાનું થાય. આ પટ-સોંસરવા પસાર થતાં જ જૂનાં સાવરકુંડલાવાસીઓ જેને લાડથી ‘નવલગંગા’ તરીકે ઓળખે છે તે મારી ‘નાવલી નદી’ની યાદથી મારું હ્રદય વિષાદથી ભરાઈ જાય છે. મણિભાઈ ચોકથી રિધ્ધિસિધ્ધિનાથ મહાદેવના મંદિર પાસે પહોંચું છું ત્યારે જ્યાં નાવલી વહેતી હતી એ જગ્યાએ સિમેન્ટનો પાકો રસ્તો જોઈ નિસાસો નખાઈ જાય છે; હ્દયમાંથી ચિત્કાર ઊઠે છે.’ ક્યાં છે મારી નદી?”

પુસ્તક પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.

મોબાઈલ : 92270 55777

કિંમત : ₹ 170

પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: 960165965

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

વૈશ્વિક મહામારીમાં એક નર્સની સંઘર્ષકથા

પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ

આ વાર્તા છે, વીસ વર્ષની ‘અનન્યા’ ની. ભારતમાં કઈ પરિસ્થિતિમાં અનન્યા જીવી રહી હતી? અમેરિકા જવાની અનિચ્છા હોવા છતાં તે કેમ અમેરિકા ગઈ? અમેરિકામાં તેની સાથે એવી કઈ ઘટના બની કે જેને કારણે તેણે પાંચ વર્ષમાં જ ભારત પરત ફરવું પડ્યું? ભારત પરત ફરીને તેના પર કેવી આફતો આવી પડી? હવે અનન્યા શું આત્મહત્યા કરશે? કે પછી તેની જિંદગીમાં કોઈ નવો વળાંક આવશે? જીવનની અનેક કશ્મકશ દર્શાવતી , સંબંધોનાં નવાં પરિમાણો સ્થાપિત કરતી એક સુંદર લઘુનવલ એટલે ‘ અભિતપ્ત ‘.

સાહિત્યકાર, કવયિત્રી, શિક્ષણવિદ્, સમાજસેવિકા, પ્રખર વક્તા, નર્મદ સાહિત્ય સભાનાં ઉપપ્રમુખ તથા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ વિજેતા લેખિકા શ્રીમતી પ્રજ્ઞા વશી નું અગિયારમું પુસ્તક એટલે ‘ અભિતપ્ત ‘. અંગત અનુભૂતિનું વર્ણન કરતાં લેખિકા લખે છે, ‘ દરિયો અભિતપ્ત થાય તો વાદળ બંધાય, તો વરસાદ પડે અને ધરતી લીલીછમ થાય. એક શેકાય કે તાપમાં બળે તો જ બીજાને સુખ મળે. આ લઘુનવલ ‘ અભિતપ્ત’ માં વીસ વર્ષની નાયિકા અનન્યા કઈ રીતે અભિતપ્ત થઈ? જીવનની એરણે એ કઈ રીતે ટિપાતી રહી? એ કઈ રીતે ભારતથી અમેરિકા ગઈ અને અમેરિકાથી કોરોના સંક્રમિત થઈ પાછી ફરી? કપરા સંજોગો, જીવનભરનો સંઘર્ષ, પ્રિય વ્યક્તિ સાથેનો વિરહ અને કોરોનાનો ભોગ બનવું એ એની નિયતિ હતી? મુખ્ય નાયિકા અનન્યાની આસપાસ આ કથા વિસ્તરી રહી છે. વી. આર. ટી. આઈ. રિસર્ચ કૉલેજ, માંડવી- કચ્છ દ્વારા યોજાયેલ લઘુનવલ સ્પર્ધામાં છત્રીસ લઘુનવલોમાંથી પ્રથમ આશ્વાસન ઈનામ આ લઘુનવલને પ્રાપ્ત થયું છે મને એનો વિશેષ આનંદ છે.’

જાણીતા વિવેચક અને કવિ શ્રી રવીન્દ્ર પારેખ આ પુસ્તક પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં લખે છે,’ અભિતપ્ત એટલે દુઃખથી ખૂબ તપેલું. સતત ભડકા વચ્ચે જ જીવવાનું આવ્યું હોય એવી વ્યક્તિને અભિત ગણી શકાય. અનન્યા એવી જ સ્ત્રી છે. પિતાની સ્વસ્થતા જળવાઈ રહે એ ગણતરીથી વીસેક વર્ષની અનન્યા બનાવટી પાસપોર્ટ પર મહંમદભાઈની મદદથી અમેરિકામાં ડૉ. ભાસ્કરને ત્યાં તેની દીકરી રિયાની દેખભાળનું કામ મેળવે છે. આ કામ તે પૂરી નિષ્ઠાથી કરે છે ને પાંચ વર્ષમાં તો તે રિયાની મા જ બની રહે છે. ડૉક્ટરની મદદથી તે નર્સિંગનું કામ પણ શીખી લે છે ને ઘરની અનિવાર્ય વ્યક્તિ બની રહે છે. પણ, તેને અમેરિકા છોડવાની ફરજ પડે છે. અહીં આખી કથા રસપ્રદ રીતે કહેવાઈ છે. વાચક તેમાં ઓતપ્રોત થાય એવું ઘણું બધું ‘ અભિતપ્ત’ માં છે. કોરોનાની લઘુનવલ કોઈએ અમેરિકાથી શરૂ કર્યાનું આ પહેલું જ ઉદાહરણ હશે એમ હું માનું છું ને એને માટે લેખિકાને અભિનંદન આપવા ઘટે.’

ડૉ. પન્ના ત્રિવેદી આ પુસ્તકને ‘ ઝંઝાવાત વચ્ચે ફૂલ ‘ ગણાવતાં લખે છે, ‘ પારિવારિક વેદનાનાં ઝંઝાવાતમાં ઘેરાયેલ નાયિકા નાછૂટકે બીજા મુલકની યાત્રા ખેડે છે. પારકી બાળકીને ઉછેરવાનું કામ સ્વીકારે છે પણ એ નિમિત્તે ખરેખર તો આ સ્ત્રી માનવીય ગરિમાને જ ઉછેરે છે, સીંચે છે. કોરોનાની મહામારી દરમિયાન માણસાઈ નેવે મૂકનારા માણસો નાયિકાને ભારતની ધરતી પર ધકેલે છે. અહીં વિદેશનું સુખ ખૂંચવાઈ જવાનો રંજ નથી પણ વેદના એ હતી કે જે બાળકી સાથે તે સ્નેહનાં અતૂટ તાંતણે બંધાઈ હતી એની સાથેના વિયોગને લીધે જીવતર ટકાવી રાખવાનો એક માત્ર આધાર પણ છીનવાઈ જાય છે. આમ છતાં, સમષ્ટિ પ્રત્યે, માનવતા પરત્વે શ્રધ્ધા ન ગુમાવતી સ્ત્રીનાં વિજયની આ કથા છે. અને આ કથાનું એક સામ્પ્રત મૂલ્ય પણ છે. આ યાત્રાની ભીતર એક આંતરયાત્રા પણ છે જેમાં આપ સહુને આવકાર છે.’

નર્મદ સાહિત્ય સભા, સુરતનાં પ્રમુખ શ્રી પ્રફુલ્લ દેસાઈ તથા ઍડવોકેટ અને વાર્તાકાર શ્રીમતી ભારતી દેસાઈએ પણ આ પુસ્તકને તેમની શુભેચ્છાઓ પાઠવી છે. કોરોનાનાં કપરાં સમયની કથા દર્શાવતી આ લઘુનવલ, જે આપણને ફરીથી આપણાં સૌનો એ કપરો સમય અને માનવતાની મહેકને યાદ કરાવી જાય છે.

પુસ્તક પ્રકાશક: સાહિત્ય સંગમ, સુરત.

મોબાઈલ: 96871 45554

કિંમત: ₹ ૭૦/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

સંવેદનશીલ લઘુકથાઓની ચોટદાર રજૂઆત

પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ .

ગુજરાતી સાહિત્યમાં આજના યુવાનોને રસ પડે એવું સાહિત્ય એટલે ટૂંકી અને ટોચદાર લઘુકથાઓને ગણી શકાય. લઘુકથાનાં જનક ગણાતાં સ્વ. મોહનલાલ પટેલે ગુજરાતી સાહિત્યને આપેલી આ અણમોલ ભેટ છે. તેમનાં અવસાન બાદ લઘુકથા ક્ષેત્રે ખૂબ જ અદ્ભુત ખેડાણ થયું છે. લઘુકથા ક્ષેત્રે જેમણે આપણને ખૂબ જ અદ્ભુત લઘુકથાઓ આપી છે તેવા પ્રમુખ સર્જકોમાં સ્વ. હરીશ મહુવાકર, શ્રી પ્રેમજી પટેલ, શ્રી રમેશ ત્રિવેદી, શ્રી જનક ત્રિવેદી છે. અત્યારે પણ લઘુકથા ક્ષેત્રે ખૂબ જ ઉત્તમ રચનાઓ આપણને માણવા મળે છે. જેમાંથી અમુક લેખકોને આપણે યાદ કરીએ તો શ્રી માણેકલાલ પટેલ, શ્રી હેમલ વૈષ્ણવ, શ્રીમતી નસીમ મહુવાકર, શ્રીમતી ગિરા પીનાકીન ભટ્ટ અને આજે જેમને માણીશું તે ‘ શુકન ‘ લઘુકથાસંગ્રહ અને તે પુસ્તકનાં સંવેદનશીલ સર્જક શ્રી હરિવદન જોશી.

લઘુકથાકાર શ્રીમતી ગિરા પીનાકીન ભટ્ટનાં શબ્દોમાં જ લેખકનો પરિચય માણીએ, ‘ ‘ શુકન’ લઘુકથા સંગ્રહના આ સર્જક સરળ, સાદગીને વરેલા, નિરભિમાની, નિખાલસ, ઋજુ અને અત્યંત સંવેદનશીલ છે. એમણે સાહિત્યનાં બધાં પ્રકારોમાં ખેડાણ કર્યું છે. સર્જક માત્રને સંવેદના સાથે સીધો સંબંધ હોય છે. પણ આ સર્જકનું સંવેદન સૂક્ષ્મ અને તીવ્ર છે. એમની લઘુકથાઓમાં સામ્પ્રત સમસ્યાઓ, સમાજ દર્શન, તો ક્યારેક યુવાહૈયાઓનું ભાવજગત ડોકાય છે. રોચક શૈલી અને ચોટદાર અંતને કારણે પ્રસ્તુત વાર્તાઓ વાચનક્ષમ, આસ્વાદ્ય અને હ્દયસ્પર્શી બની છે. ‘

લેખકનાં આ ઓગણીસમાં પુસ્તક વિશે પ્રખ્યાત લઘુકથાકાર શ્રી પ્રેમજી પટેલ પોતાની સંવેદના વ્યક્ત કરતાં કહે છે, ‘ ‘ શુકન’ માં કૌટુંબિક, વ્યક્તિ પ્રણયની તેમજ સામ્પ્રત સામાજિક સમસ્યાઓને સ્ફૂટ કરતી વિવિધ સંવેદનાઓની રચનાઓ સારી સંખ્યામાં છે. તેમની બીજી મહત્વની વિશેષતા કૃતિનો ચમત્કૃતિવાળો ઉચિત અંત છે, જે વાચક હ્રદયને ભાવથી ઝંકૃત કરી દે છે. તેમની કલમ આ ચોટદાર લઘુકથાઓ સહજ સર્જી શકે છે; જેનાથી કોઈપણ ભાવક રસાનંદથી ભીંજાયા વિના રહી શકશે નહીં.’

આ ‘ શુકન’ માં વાચકો માટે સરપ્રાઈઝ છે, શેઠની ભેટ છે, રાખડી છે, મેળો છે, બા નો બોયફ્રેન્ડ છે, સુકાં ફૂલની લીલી સુગંધ છે, પહેલો વરસાદ છે, હંસાબહેનનું રાજીનામું છે. અહીં પ્રસુતિની પીડા છે, ગરીબનાં આંસુ છે, વસુધાનું વહાલ છે, અધૂરું ગીત અને રંગોળીનાં રંગોથી ભરેલું આ એક હ્દયસ્પર્શી પુસ્તક છે. અનેક પુરસ્કારો પ્રાપ્ત કરેલ લેખક શ્રી હરિવદન જોશીનું આ ‘ શુકન’ સંવેદનશીલ ભાવકોએ લેવું જ રહ્યું.

પુસ્તક પ્રકાશક : નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશન, સુરત

કિંમત : ₹ ૧૯૯/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઐતિહાસિક ઘટનાનું રસપ્રદ આલેખન

પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ

ઐતિહાસિક નવલકથા તમે છેલ્લે ક્યારે વાંચી હતી? યાદ છે? મોગલકાળમાં આપણા વડવાઓ કેવી રીતે જીવતા હતા? મોગલકાળમાં હિન્દુઓને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું, ત્યારે ઘણા બધાં હિન્દુઓ પોતાનો ધર્મ બચાવવા માટે બીજા સલામત રાજ્યોમાં હિજરત કરી ગયાં હતાં. આ અને આવી ઘણી બધી રસપ્રદ અને સત્યઘટનાઓની આપણી પાસે કેટલી જાણકારી છે?

‘ જય એકલિંગજી ‘ આ નવલકથારુપી એક ઐતિહાસિક પુસ્તક હાલમાં જ પ્રગટ થયું છે. વિદ્વાન લેખક શ્રી હરિવદન જોશી લિખીત આ એક ખૂબ જ અદ્ભુત , સંશોધનાત્મક અને સરળ ભાષામાં લખાયેલું ઐતિહાસિક પુસ્તક છે. ઔરંગઝેબ જ્યારે દિલ્હીની ગાદી પર રાજ કરતો હતો, ત્યારે રાજસ્થાનને પણ તેણે કબજે કરવું હતું, ત્યારે ઘણા બધાં હિન્દુઓ ગુજરાતમાં પોતાનો ધર્મ બચાવવાં માટે આવ્યાં હતાં. લેખકે ૩૪૦ વર્ષ પહેલાંનું વાતાવરણ આ પુસ્તકમાં ઊભું કરીને ખૂબ જ રસાળ શૈલીમાં આ નવલકથા લખી છે.

આ નવલકથા ‘ જય એકલિંગજી ‘ના લેખક શ્રી હરિવદન જોશી ખૂબ જ વિદ્વાન લેખક છે. આ પુસ્તક પહેલાં તેમના ૧૭ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. જેમાં તેમણે લઘુનવલ, કાવ્યસંગ્રહ, જીવનવૃતાંત, સંવેદનકથાઓ પણ લખી છે. લેખક શ્રી હરિવદન જોશીને હરિ ૐ મોટા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, મહર્ષિ એવોર્ડ ઉપરાંત ઘણાં પુરસ્કારો પણ પ્રાપ્ત થયાં છે. લેખક ઉપરાંત કવિ, પત્રકાર, તંત્રી અને સંપાદકનો બહોળો સાહિત્યીક અનુભવ ધરાવતા શ્રી હરિવદન જોશીની અનુભવી કલમે લખાયેલાં આ પુસ્તકમાં આપણાં ભારતનો ભવ્ય ઈતિહાસ પણ જાણવા મળે છે. ત્રીસ પ્રકરણમાં વહેંચાયેલી આ નવલકથાનું પ્રકાશન શબ્દસેતુ પ્રકાશન, અમદાવાદ દ્વારા થયું છે. શરુઆતથી અંત સુધી જકડી રાખતી આ નવલકથામાં લેખકે ઈસુની સોળમી સદીનું આબેહૂબ વર્ણન કર્યું છે. ભાતીગળ શબ્દોના ઉપયોગથી આ નવલકથા રસપ્રદ બની ગઈ છે.

સર્જક શ્રી ડૉ. મધુભાઈ કોઠારી આ પુસ્તક વિશે લખે છે, ‘ એક સમય એવો હતો કે ઐતિહાસિક નવલકથા સર્વોચ્ચ સ્થાને બીરાજતી હતી, પણ આધુનિક પરિવેશ આવતાં તેણે તેનું સ્થાન ગુમાવી દીધું. એટલે આવી પરિસ્થિતિમાં શ્રી હરિવદન જોશીની આ નવલકથા રણમાં વીરડી સમાન છે. ‘ જય એકલિંગજી ‘ નામની આ નવલકથા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતી આ નવલકથામાં મેવાડ અને એકલિંગજી વિશે લખાયું છે. આમાં ૩૪૦ વર્ષ પહેલાંનું વાતાવરણ ખડું થાય છે. મેવાડમાંથી ગુજરાતમાં બ્રાહ્મણો, રાજપૂતો, કારીગરો કેવી રીતે આવ્યાં? તે બાબતમાંથી જ પ્રેરણા લઈને હરિવદનભાઈએ વાચકને રસતરબોળ કરી દે એવી નવલકથા આપી છે. તેઓએ આ ક્ષેત્રનાં જાણકારો પાસેથી માહિતી મેળવી સંશોધન કરી સજ્જતા પ્રાપ્ત કરી કલાત્મક રજુઆત કરી છે. નવી પેઢી જે માહિતી અને ભવ્ય ભૂતકાળથી વંચિત રહી જાય છે. તેની પૂર્ણતા ચોક્કસ આ નવલકથાથી થશે અને પ્રેરણા તથા જીવનનું ભાથું મળી રહેશે. ‘

લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. પ્રવીણભાઈ દરજી આ પુસ્તક વિશે લખે છે, ‘ આજે ઐતિહાસિક નવલકથાઓનું લેખન નહીંવત્ બનતું જાય છે ત્યારે આ પુસ્તક ઐતિહાસિક તંતુઓની જાળવણી અને કેટલુંક નવ્ય ઉમેરણ કરીને એક ચોક્કસ સમયની કથા અહીં આલેખવામાં આવી છે. સત્તરમી સદીમાં જઈ લેખકે ત્યારની ઘટનાઓનું પુન:ગઠન કરીને સચોટતા આપી છે. ઈતિહાસબોધની સાથે જીવનબોધ અહીં જે રીતે ગૂંથાતો આવ્યો છે એ રીતે જૂની – નવી પેઢી બંનેને આ કૃતિ રોચકતાનો અનુભવ કરાવશે. ‘

આ ઐતિહાસિક પુસ્તક આપણને આપણા ઈતિહાસની સફર કરાવી જાય છે. ઔરંગઝેબ વખતનું ભારત, તે સમયની હિંમતવાન મહીલાઓ, મહારાણા પ્રતાપની શૌર્યગાથા, ભગવાન એકલિંગજીનો ઈતિહાસ, યુધ્ધની તૈયારીઓ વિગેરે ઘણી જ રોચક ઘટનાઓ સાધાર સ્વરૂપે લેખકે પુસ્તકમાં આલેખી છે. પુસ્તકનો એક અંશ માણીએ.

‘ યુધ્ધ એટલે વિનાશ. યુધ્ધને ટાળવા માટે હંમેશા પ્રયત્નો થાય છે, પણ વાત જ્યારે માતૃભૂમિના ગૌરવની અને રક્ષણની આવે ત્યારે યુધ્ધ અનિવાર્ય બની જાય છે. મહાભારતનું યુધ્ધ શ્રીકૃષ્ણ ટાળવા માંગતા હતા. પણ સત્ય, ધર્મ અને ન્યાયને માટે એ યુધ્ધ કરવું પડ્યું. પ્રતાપે વિચાર્યું યુધ્ધમાં એક પક્ષે જય અને એક પક્ષે પરાજય હોય જ છે. એટલા માટે વીર પુરુષો વિજયથી છકી જતાં નથી કે પરાજય એટલે મોતથીયે ગભરાતાં નથી. જો યુધ્ધમાં જીતીશું તો માતૃભૂમિ સ્વાધિન રહેશે અને ગૌરવ મળશે. મરીશું તો સ્વર્ગ મળશે. ‘

પુસ્તક પ્રકાશક : શબ્દસેતુ પ્રકાશન, અમદાવાદ.

કિંમત : રુ. ૩૦૦-૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

જિંદગીની એક ઊડતી મુલાકાત

પુસ્તક પરિચય : રિપલકુમાર પરીખ

આપણી જિંદગીનાં આગમનથી શરુ કરીને છેલ્લી ઘડી સુધી અનેક સામાજિક પ્રસંગો બને છે. આ સામાજિક પ્રસંગો ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આપી જાય છે, ક્યારેક નવી અનુભૂતિ મળે છે, તો ક્યારેક વિચારોનાં વમળો ઊભાં કરી જાય છે. જિંદગીનાં આવાં જ કેટલાંક કલમબધ્ધ પ્રસંગો જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણને એવું ચોક્કસ લાગે છે કે આ તો મારો જ પ્રસંગ છે. કથાનું ક્લેવર જ્યારે ટૂંકમાં આલેખાય છે ત્યારે બને છે એક આદર્શ લઘુકથા, આવી જ આપણાં ર્હૃદયમાં ઘેરી છાપ છોડીને જતી, આપણને નિ: શબ્દ કરી દેતી લઘુકથાઓનો સંગ્રહ એટલે ‘ બસ, અમસ્તાં જ ‘.

હાલમાં ડેપ્યુટી કલેકટર તરીકે પોતાની ફરજ બજાવતાં લેખિકા શ્રીમતી નસીમ મહુવાકર ની પરિપક્વ કલમનો નમૂનો એટલે તેમનો આ ત્રીજો લઘુકથા સંગ્રહ ‘બસ, અમસ્તાં જ’. જૉય એન્ટરપ્રાઈઝ, અમદાવાદ દ્વારા પ્રકાશિત આ લઘુકથા સંગ્રહમાં સરળતા અને સહજતા સમાયેલી છે. સામાન્ય માનવીની લાગણીઓને લેખિકાએ અદ્ભૂત રીતે રજૂ કરી છે. સંવેદનશીલ સાહિત્ય વાંચવા માંગતા દરેક વાચકને આ પુસ્તક તેનાં તરફ ચોક્કસ ખેંચી લાવે છે.

લઘુકથાનાં અભ્યાસુ શ્રી હરીશ મહુવાકરે અહીં લખ્યું છે, ‘નસીમની લઘુકથાઓ સ્વરૂપનાં ધારાધોરણે અવ્વલ. સંવેદન પસંદગી કાબિલે તારીફ. અનુભૂતિ માટેની અભિવ્યક્તિ ધારદાર. ઉચિત પાત્રો, ઉચિત સંવાદો અને ઉચિત વર્ણન. વિષય નાવીન્ય એમ સામાજિક પ્રશ્નોનાં નિરાકરણ માટેનાં વલણમાં પણ નાવીન્ય. સહજતા અને સરળતા એ બંનેનું રસાયણ આનંદદાયક અને સૌંદર્યમૂલક કથાઓ પ્રગટાવે. વર્તમાન જગત અને તેની સાથેની રચનાત્મક દ્રષ્ટિનો પરિચય આપે છે.’

લેખક શ્રી મનોહર ત્રિવેદી પુસ્તક અને લેખિકાની વાત કરતાં લખે છે, ‘ગણેશસ્થાપન જ સારા ચોઘડીયે થયું છે. ‘ચાંદલો’ આ લઘુકથાસંગ્રહની પ્રથમ કૃતિ છે. વાંચતાં જ એક વિશ્વાસ જન્મે છે, નસીમ પાસેથી આ પછીનાં પાનાંઓ પર આટલી કે આનાથીયે અધિક સ્વ-રૂપવાન, ઉત્કૃષ્ટ ને ચિત્તાકર્ષક લઘુકથાઓ મળવાની છે.’

જરાક અમથી વાત કરતાં શ્રીમતી નસીમ મહુવાકર લખે છે, ‘આમેય મારે ક્યાં ઝાઝું કહેવાનું હોય? જે કહે એ લઘુકથાઓ કહે. પરંતુ જ્યારે આ ત્રીજો સંગ્રહ આપી રહી છું ત્યારે નાની મોટી વાતો મમળાવવી ગમે જ. અગાઉના બે સંગ્રહ ‘અમે’ અને ‘ફરીથી’ મારાં અને હરીશના સંયુક્ત. એ દ્રષ્ટિએ આ સંગ્રહ મારાં માટે અનોખો અને નોખોય. ઘણા વડીલો, મિત્રોની અપેક્ષા કે હું એકાદ સ્વતંત્ર સંગ્રહ આપું. લઘુકથાઓ પણ પૂરતાં પ્રમાણમાં હતી. થોડી અવઢવ મનમાં ચાલી. અંતે નિણર્ય લેવાયો કે સ્વતંત્ર સંગ્રહ આપવો અને પરિણામે તૈયાર થયો –‘બસ, અમસ્તાં જ’.’

અહીં પચાસ જેટલી ઉમદા લઘુકથાઓનાં સંગ્રહમાં લેખિકાએ સ્ત્રીની દ્રષ્ટિએ પણ લઘુકથાનું સુંદર આલેખન કર્યું છે. જેમાં તાવડી, રોટલી, કૉફી, ટમેટું, રસોઈ, ચા અને ખીર જેવી વિવિધ દરેક વ્યક્તિને મનભાવતી સામગ્રી પીરસી છે. ભાવતી સામગ્રીનો આ રસથાળ દરેકે એક વખત અવશ્ય ચાખવો જોઈએ તેવું હું ‘બસ, અમસ્તાં જ’ નથી કહેતો.

પુસ્તક પ્રકાશક : જૉય એન્ટરપ્રાઈઝ, અમદાવાદ .

મુખ્ય વિક્રેતા : ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ., અમદાવાદ .

કિંમત : ૧૨૦/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

પ્રતીતિજન્ય લઘુકથા સંગ્રહ: અમે

પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ .

‘સંવેદનશીલ ર્હૃદયમાંથી ઉદ્ભવતું એક ભીનું વાદળ એટલે એક આદર્શ લઘુકથા.’ જ્યારે એક સંવેદનશીલ સર્જકનાં ર્હૃદયમાં વાદળ બંધાય અને તે વાદળ સર્જકની કલમ દ્વારા કાગળ પર વરસી પડે ત્યારે તે સર્જન ભાવકના ર્હૃદયને ચોક્કસ ભીંજવી દે છે. આવી જ, ભાવકને પરિતોષતી અને સંવેદનાથી છલકતી, ર્હૃદયને ઝંકૃત કરતી પ્રતીતિજન્ય લઘુકથાઓનો સંગ્રહ એટલે: અમે .

લઘુકથા સાહિત્યમાં ખૂબ જ આદરપૂર્વક લેવાતું નામ એટલે સ્વ. હરીશ મહુવાકર અને તેમનાં જીવનસંગિની શ્રીમતી નસીમ મહુવાકર, બંનેની લઘુકથાઓનું સંયુક્ત પુસ્તક એટલે ‘ અમે.’ સાહિત્ય જગતમાં પતિ- પત્ની બંને સાહિત્યરસિક હોઈ શકે પણ બંને સર્જક હોય અને એક જ સ્વરૂપમાં સર્જન કરે તે નોંધપાત્ર ઘટના છે. આ પુસ્તકમાં એ સ્પષ્ટ થાય છે કે આ બંને પતિ – પત્નીનો લઘુકથા પ્રત્યેનો રસ, ભાવ અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ સમાન ઉપરાંત ભિન્ન પણ છે, જે ભાવકને સ્પર્શી જાય છે.

લેખક શ્રી ભગવત સુથાર, શ્રીમતી નસીમ મહુવાકરની લઘુકથાઓ વિશે લખે છે, ‘ ‘હમ’ સરનામે નિવાસ કરતી – હરીશનો ‘હ’ અને નસીબનો ‘મ’ એમ અર્થમય બેલડી રચતી સારસીતુલ્ય નસીમ મહુવાકરની પચીસ જેટલી સુવાચ્ય, સુગમ્ય અને સ્મરણમાં રમ્યા કરે તેવી લઘુકથાઓ માણવાનું સદ્ભાગ્ય મને મળ્યું તેનો સવિશેષ આનંદ છે. નસીમમાં લઘુકથાના સર્જન બાબતે સમજ છે. સ્વરુપની સભાનતા છે. સ્વરૂપને પારખવાની મથામણ અને ઘાટઘુટની સાર્થકતાને તે પ્રમાણે છે. લઘુકથા એ જીવનની ક્ષુદ્ર અને ક્ષુલ્લક પળોનું ચિત્રણ માંગે છે. જીવાતા જીવનમાં રહેલી આવી ક્ષુદ્ર ક્ષણો નસીમથી છટકતી નથી. ‘અમે’ સંગ્રહ નસીમને ગુજરાતી લઘુકથાકારોની હરોળની અધિકારિણી બનાવશે એમ બોલી જવાય છે.’

લઘુકથાકાર શ્રી પ્રફુલ્લ રાવલ સ્વ. હરીશ મહુવાકરની લઘુકથાઓ વિશે લખે છે, ‘ હરીશ મહુવાકરની આ લઘુકથાઓના વાચને સાવ નિરાશ ન થવું પડ્યું એ જ મોટી ઉપલબ્ધિ. સ્વરૂપ દ્રષ્ટિએ લઘુકથાનું સર્જન ભારે સજ્જતા માંગી લે તેવું છે. અહીં સર્જકની સજ્જતા અછાની રહેતી નથી છતાંય સઘળી લઘુકથા સમાન પરિતોષ આપે તેવું બન્યું નથી પરંતુ બહુધા હરીશ મહુવાકરે સફળતા મેળવી છે અને તેથી લઘુકથાકાર તરીકે એને પોંખવાનો આનંદ અનુભવું છું. આ સંગ્રહની પચ્ચીસ લઘુકથાઓમાં વિષયનું દેખીતું વૈવિધ્ય જરૂર છે. પરંતુ એક સમાન અનુભૂતિ પણ ગૂંથાયેલી છે તે ઘવાયેલી ભાવનાની. આથી જ આ લઘુકથાઓ મનને ગતિશીલ રાખે છે. આ જ સર્જકની દ્યુતિ છે. આ સઘળી લઘુકથાઓનું ધ્યાન ખેંચતું તત્વ છે લાઘવ. જે લઘુકથાનું મહત્વનું લક્ષણ છે. સર્જક કથાને ઓપ આપવા વર્ણન કે સંવાદને ખપમાં લે છે પરંતુ તે તદ્દન લાઘવથી. ક્યાંક ટૂંકા વાક્યો તો ક્યાંક લયાત્મક વાક્યો સર્જકની રીતિ છે.’

મહુવાકર પતિ- પત્ની બંનેની અહીં પચ્ચીસ- પચ્ચીસ લઘુકથાઓમાં જેટલી ભિન્નતા છે, એટલી જ સામ્યતાઓ પણ છે. બંનેની લઘુકથાનાં અમુક શિર્ષકો પરથી તે ફલિત થાય છે. ‘ઘર’ શિર્ષક હેઠળ બંનેની લઘુકથાઓનો અલગ દ્રષ્ટિકોણ ભાવકને સ્પર્શે છે, તો ‘સંધ્યા’ અને ‘સાંજ – સવાર’ લઘુકથાઓ લાગણીશીલ છે, ‘દરિયા કાંઠે’ અને ‘રેતીનું ઘર’ જીવનસાગરની યાદ અપાવે છે. જીવનની સૂક્ષ્મ સંવેદનાઓને સ્પર્શતી આ લઘુકથાઓ ભાવકને દરિયાનાં ઊંડાણમાં લઈ જાય છે. અહીં કોઈને અમૂલ્ય મોતી મળી જાય તેવી સંભાવના પણ ખરી જ.

પુસ્તક પ્રકાશક: પ્રીત પ્રકાશન, ભાવનગર .

કિંમત: ₹ ૭૦/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ

પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ

‘ઉત્તુંગ વૃક્ષોની વચ્ચેથી આકાશ અવનવા આકારોરૂપે મૂર્ત થતું જતું હતું. રસ્તાની બંને બાજુ ઘેઘૂર વૃક્ષોની હારમાળા કમાન સર્જતી હતી. તેના કારણે સવાર અને સાંજના ભેદ જ મટી જતા હતા. વળી, મેદાનો આવ્યા-રંગ બદલાયો. રૂપ બદલાયું. પ્રકૃતિ મોહિની બનીને અમને મોહ પમાડી રહી. તેના લાવણ્યના લટકે લટકે અમે લુબ્ધ થતા જતાં હતાં. એક બાજુથી મેદાન બોલાવે અને બીજી બાજુથી પેલા દ્રુમો તેના બાહુ પ્રસારે. અમે તો દિગ્મૂઢ થઈ ગયા હતા. ।। न ययौ न तस्थौ।।’
– ડૉ. કાલિન્દી પરીખ.

આદરણીય લેખક શ્રી કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું, ‘પગથી ચાલે તે પ્રવાસ, હૃદયથી ચાલે તે યાત્રા અને સમૂહમાં ચાલે તે સમાજ.’ આવી અદ્ભુત વ્યાખ્યા આપનાર કાકાસાહેબ કાલેલકરે આપેલું હિમાલયનાં પ્રવાસનું અવિસ્મરણીય પુસ્તક, ‘હિમાલયનો પ્રવાસ’ ગુજરાતી સાહિત્યનું યાદગાર પુસ્તક છે. હિમાલયનો પ્રવાસ આધ્યાત્મિકતાની યાદ અપાવે છે, કાશીનો પ્રવાસ ધાર્મિકતાની યાદ અપાવે છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ સ્વર્ગખંડની યાદ અપાવે છે. સ્વર્ગખંડ સમા ઓસ્ટ્રેલિયાનાં એડિલેડની યાદગાર મુસાફરીનું અદ્ભુત વર્ણન કરાવતું મનનીય પુસ્તક એટલે, ‘ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ.’

આદરણીય લેખિકા ડૉ. કાલિન્દી પરીખની સંશોધનાત્મક નજરથી આલેખાયેલું, આ સુંદર પુસ્તક ‘ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ’, વાચકોને ઘરે બેઠાં બેઠાં ઓસ્ટ્રેલિયાનાં રમણીય અને ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરાવી જાય છે. અનેક ઉચ્ચ પુરસ્કાર અને સન્માનો પ્રાપ્ત લેખિકા, ડૉ. કાલિન્દી પરીખની કલમે આપણને, ‘અંતર્દાહ’, ‘અપરિચિતા’ જેવી ઉત્તમ નવલકથાઓ, ‘વેદોમાં પર્યાવરણ’ ઉત્તમ સંશોધનાત્મક પુસ્તક, ‘ભાગ્યવિધાતા’ કિશોરકથા, ઉપરાંત ટૂંકી વાર્તાસંગ્રહ, ગઝલસંગ્રહ, અનુવાદો, નિબંધ સંગ્રહ, સંસ્કૃતનાં પુસ્તકો પણ આપ્યાં છે. પ્રસ્તાવનામાં લેખિકા જણાવે છે, ‘કાલિદાસે મેઘદૂતમાં ઉજ્જૈનનું વર્ણન કરતાં કહ્યું છે કે ધરતી પર આવવાનું થયું ત્યારે સ્વર્ગનાં નિવાસીઓએ પોતાનાં બાકી રહેલાં પુણ્યના બદલામાં સ્વર્ગનો એક કાંતિમાન ખંડ માંગી લીધો અને તેને ધરતી પર લઈ આવ્યાં. તે સ્વર્ગખંડ તે જ ઉજ્જૈન. પણ આ પૃથ્વીમાં આવા કાંતિમાન સ્વર્ગખંડો બીજે પણ ક્યાંક ક્યાંક આજે ય અસ્તિત્વ ધરાવે છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયાનાં છેડે આવેલું એડિલેડ અને એનો સૌંદર્યમંડિત પરિસર એક આવો જ સ્વર્ગખંડ છે. તેનો સાક્ષાત્ અનુભવ મને એડીલેડમાં પ્રવેશતાં જ થઈ ગયો.’

લેખિકાએ અહીં એડીલેડની સંસ્કૃતિ, ઐતિહાસિકતા, શિક્ષણ, પર્યાવરણ જાગૃતિ, આબોહવા, સ્વાસ્થ્ય, ન્યાયવ્યવસ્થા ઉપરાંત અહીંનાં રમણીય સ્થળો જેમાં ત્યાંના બીચ, તળાવો, બગીચા, હીલ સ્ટેશનનું એવું તાદ્રશ્ય વર્ણન કર્યું છે કે હમણાં જ જો પાંખો ફૂટે તો ત્યાં પહોંચી જઈએ. એક લેખકની નજર હંમેશાં પુસ્તકો પર હોય છે, લેખિકાએ ત્યાં વિવિધ પુસ્તકાલયોમાં પોતાનો અમૂલ્ય સમય પણ ફાળવ્યો છે. તે ઉપરાંત તેમણે એડીલેડમાં ફ્લીડર્સ યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસની અને યુનિસા યુનિવર્સિટીની પણ મુલાકાત લઈને ત્યાંની શિક્ષણવ્યવસ્થા વિશે જાણકારી પ્રાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયા જાઓને કાંગારુને ના નિહાળો તે કેમ બને? લેખિકાએ વિવિધ નેશનલ પાર્કમાં કાંગારુ તો નિહાળ્યાં જ છે, તેમણે તો આખેઆખા કાંગારુ આઈલેન્ડનાં વિશિષ્ટ દર્શન પણ વાચકોને પુસ્તકમાં કરાવ્યાં છે. તો હવે, ઘરે બેઠાં બેઠાં ઓસ્ટ્રેલિયા પહોંચી જવા માટે તૈયાર થઈ જાઓ. પુસ્તકનો એક અંશ માણીએ.

‘આ શહેર એટલું હરિયાળું છે કે તેને હરિયાળી નગરી કહેવાને બદલે હરિયાળીમાં ઊગેલું નગર એમ કહેવું વધુ ઉચિત રહેશે. અહીં ઘણાં બધાં નાના-મોટા ઉદ્યાનો આવેલા છે. ઉદ્યાનોનું નગર નહીં પણ ઉદ્યાનોની વચ્ચે એક ‘પુરમ્’ ને કંડારવામાં આવ્યું છે. લીલી કૂંપળોનું ટાંકણું લઈને તેનું શિલ્પ-સ્થાપત્ય રચવામાં આવ્યું છે. થોડુંક ચાલીએ ત્યાં એકાદ પાર્ક લીલોછમ ટહુકો કરતો જ હોય.’

પ્રકાશક : રંગદ્રાર પ્રકાશન, અમદાવાદ.

કિંમત: ₹ ૧૩૦/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ગુજરાતી રહસ્યકથા સાહિત્યમાં અનોખી ભાત પાડતી મર્ડર મિસ્ટ્રી

પુસ્તક પરિચયકર્તા: રિપલકુમાર પરીખ .

‘ કોણ છે તું? શું જોઈએ છે? નીકળ બહાર.’
એ બીજું કંઈ પણ બોલે એ પહેલાં પેલાએ એના મોઢા પર હાથ દબાવ્યો અને ચાકુ એના પેટમાં હુલાવી દીધું. એક વાર, બે વાર, ત્રણ વાર… વસુધાની આંખ સામે અંધારું છવાઈ ગયું.
‘ સમીર… સમીર…’ બોલતાં બોલતાં એ પલંગ પર પડી ગઈ. પેલો એની નીચેથી દાગીના ખેંચવા લાગ્યો.
વસુધા પૂરી તાકાત એકઠી કરીને બોલી, ‘આલંભ’, પછી એની આંખો ફાટી ગઈ જ્યારે એ બીજી વાર બોલી, ‘આલંભ..’

પણ આ આલંભ એટલે શું? શા માટે વસુધા વારે વારે એ બોલી રહી હતી? આ પ્રેમાળ વસુધાનું ખૂન કોણે કર્યું હશે? જો ચોરને દાગીનાની જ ચોરી કરવી હતી? તો પછી તેણે વસુધાનું મર્ડર કેમ કર્યું? શું ચોર અને ખૂની બે અલગ અલગ વ્યક્તિઓ હશે? તે દિવસે ખૂનીને કોઈએ જોયો કેમ નહીં? આ અને આવા અનેક સવાલો આપણને મૂંઝવી જાય છે, જ્યારે આપણે આ ગુજરાતી રહસ્યકથા સાહિત્યમાં અનોખી ભાત પાડતી મર્ડર મિસ્ટ્રીને વાંચીએ છીએ.

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે હમણાં ઘણાં સમયથી કોઈ પણ નોંધપાત્ર રહસ્ય નવલકથા નથી આવી. જો કે તેની પાછળ ઘણાં કારણો પણ છે કે રહસ્ય નવલકથા લખવા માટે ભાષાની સજ્જતા તો ખરી જ તે ઉપરાંત રહસ્યનાં તાણાવાણા વણવાની હથોટી, પોલીસની કાર્યવાહીની માહિતી, કોર્ટની કલમોની જાણકારી, ફોરેન્સિક સાયન્સનું ઊંડું જ્ઞાન હોવું પણ ખૂબ જ જરૂરી હોય છે. આમ, રહસ્ય નવલકથા લખવી ઘણી અઘરી છે. રહસ્ય નવલકથાનાં વાચકો ઘણાં હોંશીયાર હોય છે, તેઓ કોઈ પણ જગ્યાએ નાનકડી ભૂલ પણ થઈ હોય તો જલ્દીથી પકડી લે છે. ઉનાળાની બળબળતી બપોર જેવા તાપમાં જ્યારે આપણને એરકન્ડીશન્ડ રુમમાં પ્રવેશ મળે ને જે અનુભૂતિ થાય, તેવો આનંદ આપણને આ અદ્ભુત, સંવેદનશીલ અને દિલચસ્પ રહસ્ય નવલકથા ‘ આલંભ ‘ વાંચતા મળે છે.

જાણીતા ગુજરાતી અને હિન્દી ફિલ્મ કલાકાર શ્રી પ્રતિક ગાંધી દ્વારા વિમોચીત આ નવલકથાને લોકપ્રિય વાર્તાકાર અને નવલકથાકાર શ્રીમતી વર્ષાબેન અડાલજાએ તથા આદરણીય લેખિકા શ્રીમતી કુન્દનિકાબેન કાપડીયાએ પણ શુભેચ્છાઓ પાઠવી છે. વરિષ્ઠ લેખિકા શ્રીમતી ધીરુબહેન પટેલનો આ નવલકથા સાથે વિશેષ સંબંધ રહ્યો છે. આ નવલકથાનાં લેખિકા પાસે ખાસ આગ્રહ કરીને આદરણીય ધીરુબહેન પટેલે આ નવલકથા લખાવી છે તેમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. મૂળ આ લેખિકાની જ ટૂંકી વાર્તાનું નવલકથાનું સ્વરુપ એટલે ‘ આલંભ ‘.

‘ આલંભ’ નવલકથાનાં લેખિકાએ અગાઉ હાસ્યનિબંધો, ટૂંકીવાર્તાઓ અને નાટકો પણ ઘણાં લખ્યાં છે, જેને વિવેચકોએ વખાણ્યા છે. ‘ આલંભ ‘ લેખિકાનું ભલે પહેલું પુસ્તક છે, પરંતુ જ્યારે તમે વાંચો તો એમ ચોક્કસ લાગે છે કે કોઈ અનુભવી લેખકની કસાયેલી કલમે જ જાણે આ પુસ્તક લખાયું છે. લેખિકા પોતે નાટ્યલેખનની હથોટી ધરાવે છે તે ઉપરાંત તેમણે ફૉરેન્સિક સાઈકોલોજીનો અભ્યાસ ખાસ આ નવલકથા લખવા માટે કર્યો છે, જેનો સુંદર વિનિયોગ આ નવલકથામાં તેમણે કર્યો છે. લેખિકા હોમમેકર ઉપરાંત કુટુંબનો વ્યવસાય, વાચનલેખન અને અભિનય ક્ષેત્રે પણ ખૂબ જ સક્રિય છે. આવા ખૂબજ સર્જનાત્મકતાથી છલકાતા ‘ આલંભ’ નાં લેખિકાનું નામ છે ‘ યામિની પટેલ ‘.

કવિ અને વાર્તાકાર શ્રી સંદીપ ભાટિયા નવલકથા વિશે લખે છે, ‘ ઘણાં વખતે કોઈ નવલકથા એકી બેઠકે પૂરી કરી. ‘ આલંભ’ જેવું સાહિત્યિક નામ ડિટેક્ટીવ નોવેલને શા માટે આપ્યું હશે એ ઉત્કંઠા તો લેખકે પુસ્તકમાં પ્રવેશતાં પહેલાં જ જગાવી દીધી હતી અને ખાસ્સું ટટળાવીને પછી ઉત્તર આપ્યો. યામિની પટેલ નાટક, નિબંધ, ટૂંકી વાર્તા, હાસ્ય સાહિત્ય વગેરે પણ ઘણું લખે છે, તે છતાં તેમણે આ નવલકથાને સરળ અને સીધીસટ રાખી છે. સાહિત્યિક ટચ આપવાના પ્રલોભનથી દૂર જ રહ્યાં છે. પાત્રોનાં સંવાદોમાંની સહજતામાં નાટ્યલેખનની તેમની હથોટી વરતાય છે. પાત્રોનાં બાહ્ય દેખાવ, પહેરવેશ એમની બોલવા ચાલવાની ઢબછબ, લઢણ વગેરેનું વિગતે વર્ણન કે પછી ક્યાંક તો ઉલ્લેખ પણ કરવાનું લેખકે ટાળ્યું છે. પણ દ્રશ્યોની માંડણી એવી છે કે વાચકના મગજમાં આગવાં, ઝીણી વિગતો સહિતનાં પાત્રો અને લોકાલો ખડાં થઈ જાય છે. ‘

લેખિકા શ્રીમતી યામિની પટેલ તેમનું આ પ્રથમ પુસ્તક આદરણીય ધીરુબહેન પટેલને અર્પણ કરતાં લખે છે, ‘ એક વાર્તાનું કથાબીજ લઈને હું એમને સંભળાવવા ગઈ. એમાં એમણે અમુક જગ્યાઓએ આડી લાઈનો દોરી કહ્યું, ” આ એના દસ પ્રકરણો. દરેક પ્રકરણ લગભગ ૧૫૦૦ શબ્દોનું.” હવે મેં કદી ૧૫૦૦ શબ્દોથી લાંબુ ક્યારેય લખ્યું નહોતું, એમાં ૧૫૦૦૦ શબ્દો? સાચું કહું તો મારા પરનો એમનો વિશ્વાસ કામ કરી ગયો. લખવાનું શરુ કર્યું અને જન્મી આ નવલકથા. હવે નવલકથાનાં જન્મની સમયમર્યાદા તો કોઈ છે નહિ, એટલે આપણે લીધા વર્ષો. અગણિત વાર આટલા વર્ષોમાં ધીરુબહેનનો ગુસ્સો, વઢ, મહેણાં સાંભળ્યા છે. નવલકથાનો અંત છે પણ એમની ધીરજનો કોઈ અંત નથી. ધીરુબહેન, આપનાં કરકમળોમાં મૂકી આ નવલકથા આપને અર્પણ કરું છું. ‘

દસમી એપ્રિલ, ૨૦૧૩ના રોજ વસુધાના મર્ડરથી શરુ થયેલી આ મર્ડર મિસ્ટ્રીમાં હિંમતવાન વસુધા, પતિ સમીર, ઇન્સ્પેક્ટર ખેડેકર, સબ ઇન્સ્પેક્ટર પટેલ, ડિટેક્ટીવ બુધ્ધદેવ સર ઉપરાંત નવલકથાનાં તમામ પાત્રો વાંચતા વાંચતા આપણી નજર સમક્ષ જીવંત થઈ જાય છે. નવલકથાનાં કથાનક સાથે ઓળઘોળ થઈ જવાય છે, વાંચતા વાંચતા સતત એવું લાગે છે કે હવે શું થશે? કોણ હશે ખૂની? રહસ્ય અને રોમાંચથી ભરપૂર આ નવલકથામાં તેરમા દિવસે જ્યારે ‘ આલંભ’ શબ્દની ખબર પડે છે, ત્યારે હાશકારો અનુભવાય છે.

પુસ્તક પ્રકાશક : notionpress.com

કિંમત : ₹ ૫૦૦/-

ઈમેલ : yaminidpatel@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

મહાત્મા ગાંધીનાં મૂલ્યોની સાચવણી

પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ .

મહાત્મા ગાંધી ભલે સદેહે આપણી વચ્ચે હયાત નથી, પરંતુ તેમણે આપણને આપેલાં અણમોલ મૂલ્યો, જે ખરેખર તેમણે જીવી જાણ્યાં છે, તેવાં સત્ય અને અહિંસા ઉપરાંત તેમનું મેનેજમેન્ટ, તેમની આકરી પ્રતિજ્ઞા, સર્વ ધર્મ સમભાવ વિશે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આપણી નવી પેઢીને ખૂબ જ સરળતાથી મહાત્મા ગાંધીનાં આવા અણમોલ મૂલ્યો સમજાવવા હોય તો તે માટે એક સરળ રીત છે, ‘બાળનાટકો’.
‘બાપુનાં બાળનાટકો’ એક ખૂબ જ અદ્ભુત પુસ્તક છે. જે પ્રાથમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતાથી મહાત્મા ગાંધીનાં જીવનમૂલ્યોને સમજાવે છે. આ પુસ્તકનાં નાટકો શાળાનાં સ્ટેજ પર સરળતાથી ભજવી શકાય તેવાં છે. કુલ ૧૮ નાટકો સંગ્રહિત આ ‘બાપુનાં બાળનાટકો’ પુસ્તકનું સંપાદન શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર શિક્ષક, પ્રાધ્યાપક, સાહિત્યનાં અનેક પુરસ્કારોથી સન્માનિત ઉત્તમ લેખક શ્રી વાસુદેવ સોઢાએ કર્યું છે.
પ્રસ્તાવનામાં શ્રી વાસુદેવ સોઢા લખે છે, ‘ગાંધી મૂલ્યોને બાળક નાનપણથી જ સમજે, એટલું જ નહીં પણ જીવનમાં તેનું મહત્વ છે તે ઉતારે અને જીવનશૈલી જ એવી બનાવે ને જીવે. ઉપદેશોથી કામ સરતું નથી, પણ પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ મૂલ્યો આત્મસાત થઈ શકે છે. મૂલ્યરોપણનો માનવજીવનનો ઉત્તમ તબક્કો હોય તો તે પ્રાથમિક શાળાનાં સમયનો ગાળો છે. બચપનમાં જ જે ટેવો કે સુટેવો મેળવે છે તે જીવનપર્યંત બાળકમાં રોપાયેલ હોય તો કોઈ ને કોઈ રુપે, કોઈ ને કોઈ તબક્કે ખીલી ઊઠે છે. ગાંધી મૂલ્યો ખૂબ જ સહજ અને સરળતાથી રજૂ થાય, બાળકો એ નાટકો ભજવી શકે, સમજી શકે તેવાં બાળનાટકો છે. શાળાઓમાં આ નાટકો ખૂબ જ સરસ રીતે ભજવાશે. ને મહાત્મા ગાંધીનાં મૂલ્યો બાળકો સમજીને જીવનમાં ઉતારશે તો અમારો આ નાનો પ્રયાસ સાર્થક બનશે.’
આ પુસ્તકનાં બાળનાટકો વિદ્વાનજનોની કસાયેલી કલમે કલમબધ્ધ થયાં છે. સ્વ. ધીરજ ગોસાઈ (પૂર્વ ડાયરેક્ટર, આકાશવાણી ) ઉપરાંત સાહિત્યકારોશ્રી ભારતીબેન ગોહિલ, શ્રી ગોરધન ભેસાણિયા, ડૉ. કિશોર સાધુ, શ્રી વાસુદેવ સોઢા ઉપરાંત ઘણાં અનુભવી સાહિત્યકારો એ આ બાળનાટકો રચ્યાં છે.
અહીં લખાયેલું દરેક બાળનાટક એક આગવી શૈલીમાં લખાયેલું છે. જેમકે કોઈ બાળનાટક ભવાઈ શૈલીનું છે, તો કોઈ યુવાનોને સંબોધીત કરતું છે, કોઈમાં સાબરમતી આશ્રમ જીવંત થયો છે, તો કોઈ બાળનાટકમાં અકબર અને બિરબલના સંવાદો દ્વારા ગાંધીજીનાં મૂલ્યો સમજાવાયા છે. દરેક બાળનાટકની શરુઆત ગાંધીજીનાં દુર્લભ ફોટોગ્રાફથી થાય છે. જે આ પુસ્તકને યાદગાર બનાવે છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને પુણ્યતિથિ પર આ બાળનાટકો શાળામાં ચોક્કસથી ભજવવાં જોઈએ, તેવું આ ગાંધીપ્રેમીનું ચોક્કસ માનવું છે.
પુસ્તક પ્રકાશક : દિશા પ્રકાશન, અમદાવાદ
કિંમત : રુ. ૧૨૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

અસરકારક અભિવ્યક્તિ માટેની લેખનકૌશલ્યની નિસરણી

પુસ્તક પરિચયકર્તા: રિપલકુમાર પરીખ

‘સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.’
– કવિ ઉમાશંકર જોશી.
આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે આપણને કેટલો પ્રેમ છે? તે ત્યારે જણાઈ આવે છે, જ્યારે આપણે માતૃભાષા ગુજરાતીમાં બોલીએ અને લખીએ છીએ. ગુજરાતીમાં સંવાદ કરવા અને લખવા માટે શું આપણે શુદ્ધ ગુજરાતી જોડણીનો ઉપયોગ કરીએ છીએ? શું સાચાં ગુજરાતી શબ્દોની આપણને જાણકારી છે? શું આપણાં ઘરમાં કે કચેરીમાં આપણે ગુજરાતી ભાષાનો શબ્દકોશ રાખ્યો છે? જેથી આપણને ન ખબર પડતાં ગુજરાતી શબ્દોની સાચી જોડણી માટે તત્કાળ આપણે જોડણીકોશનો ઉપયોગ કરી શકીએ. ઘણાંને આ બધી વાતો અહીં અસ્થાને લાગતી હશે, પરંતુ એ સત્ય હકીકત છે કે આજે પણ ગુજરાતી ભાષામાં અનુસ્નાતક થયેલો વિદ્યાર્થી સાચું ગુજરાતી નથી જાણતો. દરેક ગુજરાતીને પોતાની માતૃભાષામાં અસરકારક અભિવ્યક્તિ કરવા માટે એક સુંદર પુસ્તકની હમણાં જ રચના થઈ છે જેનું નામ છે, ‘ ગુજરાતી લેખનકૌશલ્ય’.
સાહિત્ય ક્ષેત્રે અનેક પુરસ્કારો પ્રાપ્ત કરનાર તથા જીવનચરિત્રનાં ૨૫, કથાસાહિત્યનાં ૪, વિવેચનનાં ૩૮, સંદર્ભગ્રંથો ૧૦, સંપાદનનાં ૨૪, અનુવાદનાં ૨૧, સાહિત્યનાં ઈતિહાસનાં ૪ સહિત કુલ ૧૫૭ પુસ્તકોનાં આદરણીય લેખક શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટનું આ નવું પુસ્તક છે, ‘ ગુજરાતી લેખનકૌશલ્ય’. પ્રસ્તાવનામાં લેખકશ્રી લખે છે, ‘ કોઈપણ મનુષ્ય પોતાની માતૃભાષામાં અસરકારક અભિવ્યક્તિ કરી શકે. આ સંભાવના હોવા છતાં વિવિધ વિશ્વવિદ્યાલયોની વિવિધ વિદ્યાશાખાઓના અને વિશેષ તો વિનયન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ તથા ગુજરાતી ભાષા સાહિત્ય સાથે સ્નાતક થયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ શુદ્ધ ગુજરાતી લખી શકતા નથી એ ખેદજનક હકીકત છે. આ અનિચ્છનીય પરિસ્થિતિમાં પરિવર્તન આવે એવા શુભાષયથી ‘ગુજરાતી લેખનકૌશલ્ય’નું લેખન કર્યું છે. આ પુસ્તક વાસ્તવમાં અસરકારક અને પ્રભાવક અભિવ્યક્તિ માટેની લેખનકૌશલ્યની નિસરણી છે. એનાં સોળ પ્રકરણો સફળતાની સીડીનાં સોપાનો છે, પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટેનાં પગથિયાં છે. એ સોપાનો સર કરનાર સહુ સુજ્ઞજનો સરળતાથી, સહજતાથી પોતપોતાના ક્ષેત્રોમાં, વ્યવસાયોમાં સિદ્ધિ સંપ્રાપ્ત કરી લેખન કૌશલ્ય દ્વારા અસરકારક અભિવ્યક્તિ કરવા સક્ષમ થઈ શકશે.’
એકવીસ આધારભૂત સંદર્ભગ્રંથોમાંથી લેખકે ખૂબ જ જહેમત ઉઠાવી, અહીં આપણને સોળ પ્રકરણોમાં માખણ પીરસ્યું છે. જે ખૂબ જ સરળતાથી ગળે ઉતરી જાય તેમ છે. ગુજરાતી વ્યાકરણ, ક્રિયાવિશેષણો, અનુગો અને નામયોગી તત્વો, સંધિ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો, છંદ અને અલંકાર, જોડણીના નિયમો વિગેરે દરેક પ્રકરણ વાંચીને આપણાં ભાષાજ્ઞાનમાં ચોક્કસ સમૃદ્ધિ થાય છે. ગુજરાતી ભાષાપ્રેમીઓ માટેનો આ દુર્લભ ખજાનો દરેક સાચા ગુજરાતીએ લૂંટવો જ રહ્યો.
વ્યાકરણ
‘કોઈપણ ભાષામાં અસરકારક લેખનકૌશલ માટે તે ભાષાનાં વ્યાકરણનું જ્ઞાન જરૂરી છે. વ્યાકરણ શબ્દનો અર્થ સ્પષ્ટીકરણ થાય છે. જે શાસ્ત્રમાં પ્રકૃતિ ને પ્રત્યય જુદા પાડી પ્રત્યયના અર્થ દર્શાવ્યા હોય છે તથા જેમાં શબ્દોનાં શુદ્ધ રૂપ અને તેનો વાક્યમાં પરસ્પર સંબંધ કેવી રીતે છે તે વિશે વિવેચન કર્યું હોય છે તેને ‘વ્યાકરણ’ કહે છે. આ રીતે વ્યાકરણમાં શબ્દોનું સ્પષ્ટીકરણ થાય છે. એને ‘શબ્દાનુશાસન’ પણ કહે છે, કેમકે એમાં શબ્દોનું અનુશાસન-ઉપદેશ કરાય છે, અસાધુ શબ્દથી જુદા પાડી સાધુ શબ્દ સિદ્ધ થાય છે. વાસ્તવમાં વ્યાકરણ ભાષાને નિયમમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે.‌ તે સાધુ શબ્દનું જ્ઞાન કરાવે છે અને અસાધુ (અપભ્રષ્ટ) શબ્દનો પ્રયોગ અટકાવે છે. શુદ્ધ ભાષાનાં રક્ષણ માટે વ્યાકરણનો અભ્યાસ આવશ્યક છે.’

પુસ્તક પ્રકાશક: ZCAD પબ્લિકેશન, અમદાવાદ.
મોબાઈલ : 63588 52437
કિંમત : ₹ 325.00

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ગુજરાતના બીજા ગાંધી: પૂ. રવિશંકર મહારાજ

સ્પંદન ગ્રંથાલય – રિપલકુમાર પરીખ

‘ગુણિયલ ગુર્જર દેશ મહીં કો ઘૂમે સાધુ વેશે?
ટૂંકી પોતડી ટૂંકી ડગલી, ખાદીના ગણવેશે.
ભણતર નહીં, ગણતર ઘણેરુ, દુન્યવી દરવેશ,
ગુર્જર કેરું ગૌરવ ગુંજે, ગર્વ નહીં લવલેશ
જનસેવાના પાઠ પઢાવ્યા, રાષ્ટ્રનિર્માણની કાજ,
અજબ અમારા શાંતિદૂત એ, રવિશંકર મહારાજ.
માનવતાના મહેરામણને, લાખ નહીં કોટિ વંદન,
આઝાદીના અમરદીપને, અંતરકેરા અભિવંદન.’
– મોહનલાલ પટેલ.
આ વર્ષે આપણે આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છીએ, ત્યારે આપણે મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ ઉપરાંત આપણને આઝાદી અપાવનાર, આઝાદીની વિવિધ ચળવળોમાં સક્રિય રહેનાર નામી-અનામી સત્યાગ્રહીઓ અને તેમનાં જીવનચરિત્રોને પણ વાંચવા જોઈએ. આવાં જ આપણાં ગુજરાતનાં બીજાં ગાંધી કહેવાતાં એક મહાપુરુષ એટલે લોકઋષી પૂ. રવિશંકર મહારાજ.
હાલમાં જ તારીખ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ પૂ. રવિશંકર મહારાજની ૧૩૮મી જન્મજયંતી ઉજવાઈ ગઈ અને આ જ પવિત્ર દિવસે તેમની યાદમાં રવિશંકર મહારાજ પર એક નવું પુસ્તક લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા અને ઝેડ- કેડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું ‘લોકઋષી રવિશંકર મહારાજ.’
અત્યાર સુધી આપણે મહારાજને ઝવેરચંદ મેઘાણીએ લખેલ નવલકથા “માણસના દીવા” દ્વારા અને પન્નાલાલ પટેલે લખેલ નવલકથા “જેણે જીવી જાણ્યું” દ્વારા જાણ્યાં હતા. હવે અત્યારે ઘણાં સમય બાદ રવિશંકર મહારાજ પર એક લઘુ પુસ્તક તૈયાર થયું છે, જેમાં પૂ. મહારાજનાં સમગ્ર જીવનની સંકલિત કરેલી વિગતો આપણને ઉપલબ્ધ થઈ છે.
‘લોકઋષી રવિશંકર મહારાજ’ પુસ્તકનાં લેખક શ્રી હરેશભાઈ ધોળકિયાની અનુભવી કલમે આપણને અત્યાર સુધી લગભગ ૧૩૫થી વધારે પુસ્તકો મળ્યાં છે, જેમાં કલામ સાહેબનાં પુસ્તકનો ગુજરાતી ભાષામાં અનુવાદ “અગનપંખ”, સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ પર સંપાદિત પુસ્તકો ઉપરાંત ગાંધીજી, શ્રી અરવિંદ અને ભગતસિંહ ઉપર પણ તેમણે સંકલિત પુસ્તકો લખ્યાં છે. તેમનાં બીજાં પુસ્તકોમાં ચારસો ટકા આનંદ, વિચારોની રખડપટ્ટી, સુખનું સરનામું વિગેરે સામેલ છે. વ્યવસાયે શિક્ષક તથા આચાર્ય રહેલા શ્રી હરેશભાઈ ધોળકિયાની ‘કચ્છમિત્ર’ દૈનિકમાં અઠવાડીક કૉલમ પણ ચાલે છે. સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત તેઓશ્રી રામકૃષ્ણ આશ્રમમાં સેવાકીય પ્રવૃતિઓ પણ કરે છે. મહર્ષિ વિનોબા ભાવે પર પુસ્તક તૈયાર કરતાં હતાં ત્યારે તેમને પૂ. રવિશંકર મહારાજ પર પુસ્તક લખવાની પ્રેરણા મળી અને વિવિધ સંશોધનો બાદ આપણને આવું ઐતિહાસિક પુસ્તક મળ્યું. પ્રસ્તાવનામાં તેઓ લખે છે કે, ‘મહારાજની વાતો જાણવાની આજે તાતી જરૂર છે. મહારાજની સરળ અને નરવી વાણી આજની પેઢી વાંચે તો ચોક્કસ પ્રભાવિત થાય અને નિષ્કામ કર્મ કરવા તૈયાર થાય.’
શ્રી રવિશંકર વ્યાસનાં લોકહિતના કાર્યો અને નિ:સ્વાર્થ પ્રવૃતિઓના કારણે લોકોએ જ તેમને ‘મહારાજ’ નું બિરૂદ આપ્યું હતું, એવા ‘કરોડપતિ ભિખારી’, ગુજરાતમાં ભૂદાનના પ્રણેતા, મૂકસેવક, મુઠ્ઠી ઊંચેરા માનવી, બોરીન્ગવાળા મહારાજ, કળીયુગના ઋષી, વાત્સલ્યમૂર્તિ, પ્રેમ અને કરુણાનો ઘૂઘવતો મહાસાગર પૂ. રવિશંકર મહારાજને શત શત વંદન. અહીં એક રાજીપોએ પણ છે કે આ જ વર્ષે મહારાજનાં સમાજસેવાના મૂળમંત્રને ચરિતાર્થ કરવા માટે “રવિશંકર મહારાજ વિચારયાત્રા-૨૦૨૨”નું પણ આયોજન થનાર છે.
તો આવો, આ ઐતિહાસિક પુસ્તકમાં સમાવિષ્ટ મહારાજની વાણીને માણીએ.
* યજ્ઞ એટલે ઘસાઈ છૂટવું, આપણે બીજા માટે ઘસાઈ છૂટીએ અને ઘસાઈને ઉજળા થઈએ.
* પુસ્તકો શું છે? મહાપુરુષોના વિચારોને સંઘરી રાખવાની પેટી. સેંકડો વર્ષ પહેલાંનાં મહાપુરુષો સાથે વાતો કરવી હોય, તો ચોપડી કાઢીને બેઠા વાતો કરવા. પુસ્તક એ પવિત્ર ચીજ છે. પુસ્તકોની આપણને જરૂર પડશે. મહાપુરુષોને ઓળખવા પુસ્તકો વાંચવાં પડશે.
* વિધાર્થીઓને ભણાવવાને બદલે વિદ્યાર્થીઓ પાસે ભણે, તે જ સાચો શિક્ષક.
* બીજાને ઉપયોગી થવાય એ રીતે જીવવાની કળાનું નામ એટલે સર્વોદય.
* પછાત કોણ? પછાત તો એ છે જે જાતે મહેનત નથી કરતાં અને બીજાની મહેનત પર જીવે છે. પછાત તો એ છે જે જુઠ્ઠું બોલે છે, લોકોને છેતરે છે, બીજાનું શોષણ કરે છે. – આદરાન્જલિ
‘બસ ! મહારાજની આ જ ખૂબી છે ! તેમને જે કામ સોંપો, તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે! અને તેથી જ એમનું કામ ઝળકે છે અને તેની વધુ અસર પડે છે.’ – ગાંધીજી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ભાવનાના વહેણમાં તરતા શ્રદ્ધાના દીવડા
(જિંદગીનાં સ્ક્રીનશોટ્સ : નિબંધો: લેખક: રવજી ગાબાણી )
••
યોગેશ પંડ્યા
નિબંધ એટલે નિર્બંધ રીતે વહેવું, ભીંજાવવું અને ભાવકના મનોજગત્ને રળિયાત કરવું!
વ્યાવહારિક જગતમાં જે ઘટના કે ક્ષણો દાહ આપે છે, એ જ ઘટના કે ક્ષણોમાંથી સર્જકને ‘મધુ’ પ્રાપ્તિ થાય છે !
પીડાદાયી પોતાની અંગત ક્ષણો ને રસ નિષ્પતિથી છલકતી બનાવવા નું કર્તવ્ય નિબંધ કારને પરિતોષ આપે છે માનવીને ભૌતિક સંપત્તિનું સુખ જેટલું આનંદ નથી આપતું એટલું સુખ તેની ભૂતકાળની વહી ગયેલા સંઘર્ષની,દર્દની,વેદનાની અને પીડાની ક્ષણો આપે છે. અને, એ ક્ષણો વાગોળવાથી જે પરિતોષ પ્રાપ્ત થાય છે તે પરિતોષ અવિનાશી છે .
માણસને જો ઉત્તમ લેખક બનવું હોય તો તેની કલમમાં ઠાંસી ઠાંસીને પીડા ભરેલી હોવી જરૂરી છે. પીડા કે દર્દ વગરનું લેખન, વાચક કે ભાવક સાથે પ્રત્યાયન સાધી શકતું નથી. ‘જિંદગીના સ્ક્રીનશોટસ’ એવી દર્દ ની શાયરી છે જેના પાને-પાને લેખકે ભોગવેલી પીડા, વેદના, માનસિક દ્વંદ, સંઘર્ષ વગેરેનો ઉત્પાત છે. એટલું જ નહિ, પરંતુ બીજાના દુઃખે દુઃખી કરનાર માનવીઓ ય મળી આવે છે.!
લેખનની તરાહો ભિન્ન ભિન્ન હોય છે. એના પ્રકારો પણ ભિન્ન હોય છે. પણ, એ લેખનમાં લેખક નો આત્મા ગેરહાજર હોય તો એ લેખન માત્ર પદાર્થ રૂપે ચોપડી કે પુસ્તક જ બની રહે છે. એ ચિરંજીવ થઈ શકતું નથી .ટેબલ ખુરશી ઉપર બેસીને નકરી ફેન્ટસીઓ લખવી, કે માત્ર કલ્પના વિહાર કરીને ઘટનાઓના સરોવરમાં સ્વૈરવિહાર કરીને કાગળ ઉપર વાર્તા ઉતારવી કે નિબંધનું આલેખન કરવું, એ સર્જકનું કર્તુત્વ નથી .પણ,જે માણસ એ ઘટનાની અંદર હાજરાહજૂર હોય, એ ઘટના એણે પોતે જીવી હોય, સળગતી રીંગમાંથી એ પસાર થયો હોય, એ જ પેલી આગની ભયાનકતાનું નિરૂપણ કરી શકે છે ! બાકી, દૂર ઊભેલો કોઈ માણસ એ ઘટના પ્રત્યે માત્ર આંગળી ચીંધી શકે. એ ઘટનાના પિંડમાં તવાયા વિના એને આળખી ના શકે!
પરંતુ, અહીં ‘જિંદગીના સ્ક્રીનશોટ્સ’ આપણને પાને પાને એ જ જિંદગી, એજ ક્ષણો, એ જ પીડ, એ જ દર્દ -યાતના કે વેદના જીવી-ભોગવી ગયાનો અહેસાસ કરાવે છે!!
– પણ એને આપણે આલેખી ન શક્યા!
– પણ એની અભિવ્યક્તિ માટે એક સર્જકનું હોવું જરૂરી છે ! એ તો સર્જક જ કરી શકે .
‘સ્ક્રીનશોટ્સ’નો મતલબ – એને સાવ અડોઅડથી, નિહાળવાની વાત છે. એને ખાલી જોવાની જ નહીં, પણ સ્પર્શવાની અને એની સાથે જીવી લેવાની પણ વાત છે!
જે છબી લેખકે પાડી છે, એ છબી જો તમે જુદા જુદા એંગલથી જોશો તો દર વખતે તમને નવા પરિમાણો જ દેખાશે .અહીં એવી એક નહીં પણ છત્રીસ છબીઓ દૃશ્યમાન છે. લેખકને મન એવું નથી કે જે ઘટના જીવ્યા કે, જે સ્મરણમાં -મનમાં આવ્યું કે તરત જ ‘ક્લિક’ કર્યું !
– ના,!! એમણે એ યાદો, સ્મરણોની વણજારને સૌ પ્રથમ પોતાના માનસ સરોવરને કાંઠે આવવા જ દીધી છે!
પછી એક ‘ઝોક’ બાંધ્યો છે. અને એ ‘ઝોક’માં મનોમન એ રાતદિવસ બેઠા છે. વિહર્યા છે. એને ભરપૂર જીવ્યા છે. પછી એ વણજાર ચાલી ગયા પછી એ ખાલીપાને એણે કલમ વાટે નિતાર્યો છે!
મને યાદ છે, નાના હતા ત્યારે ગામને પાદર પેલા કલાય કરવાવાળા આવતા. સાટિયા- સરાયા આવતા. દંગા નાખીને અઠવાડિયુ પડ્યા રહેતા…પણ, પણ…,એ તો વણઝારા !એક ગામથી બીજે ગામ ! પણ આઠ દિવસ એમનું વાસણને કલય કરવાનું મિકેનિઝમ અમે જોતાં. ખૂબ ગમતું… પછી માયા લગાડી ને તેઓ જતા રહેતા. એ માયા ની અંદર ખાલીપો અને દર્દ હતાં .પણ આજે એને વાગોળવાથી પરમ સુખ પ્રાપ્ત થાય છે .
– અહીં આવી કેટલીએ ઘટનાઓ ફરી-ફરીને વાગોળવા જેવી છે. આપણને થાય છે કે બસ એને વાગોળ્યા જ કરીએ.
****
નિબંધકાર- સર્જક રવજી ગાબાણીનની લખવા માટેની નિસબત એમના ગામ સાથે નાળના સંબંધથી જોડાયેલી છે. જેમ ગર્ભમાં રહેલા બાળકનું પોષણ નાળ દ્વારા થાય છે, એમ રવજીભાઈની અંદર રહેલા નિબંધકારનું પોષણ એમના ગામ પીપરિયાએ જ કર્યું છે .
એમનો ગામ સાથેનો નાતો , સીધો જ સર્જન પ્રદેશમાં આંગળી પકડીને એમને લઈ જાય છે. એ એમને ખબર સુધ્ધા રહી નથી કે, એવા કેટલાય અભાવોએ ત્યારે જ, રવજીના બાળમાનસમાં એવી ઘટનાઓ ના માળા બનાવી રાખ્યા હતા કે એ માળા ,જ્યારે તેમને સમજણ આવવા લાગી કે ખૂલતા ગયા! અને એ માળાના એક એક તણખલાં એમનું સર્જન બનતા ગયા.!
જિંદગીના અભાવોના વૃક્ષને જ્યારે ફળ આવે છે, ત્યારે એ ફળનો રસ બીજા કોઈ પણ ફળના રસ કરતા મધુરો હોય છે.એ રસને ચાખવા માટે કાં તો સંત હોવું જરૂરી હોય છે અથવા સર્જક હોવું જરૂરી છે!!
‘ મને મારું બાળપણ સાંભર્યા કરે છે….” માં રવજીભાઈ લખે છે કે, “ચાલને હું પાછો બાળક બની જાઉં…”
-શું કામ? -તો એનો જવાબ છે : બાળપણ એટલે જિંદગીનું રજવાડું ! એ રજવાડું ફરીવાર માણવા મળતું નથી. અત્યારે જેમ બાળકને કોઈ વસ્તુની કમી નથી તેમ પહેલા નહોતું. પહેલા તો અભાવોની જ કમી નહોતી ! **
રમવા માટે કોઈ ગેજેટ્સ નહોતા, કોઈ ઉપકરણો પણ નહોતા. છતાં એ બાળપણ આજના કરતા વધુ મધુરુ હતું. સભર હતું. યાદગાર હતું! અભાવોમાં પણ મળેલી નાની નાની ખુશીઓ અત્યારે મોટા થઈને સુખ આપે છે! ભૌતિક જિંદગીમાં ગાડી-બંગલા હોય પણ જે માનવી અભાવોમાં ઉછર્યો હોય, એને આ સુખ શાતા આપી શકતું નથી. એનું સુખ પેલી વહી ગયેલી ક્ષણો છે. એના ગર્ભમાં એવું કેટલુંયે સુખ છુપાયેલુ છે, જે પેલા સ્મરણો વાગોળવાથી પ્રાપ્ત થાય છે!
સામાન્ય માનવી માટેનું સુખ, બંગલા-ગાડી, નોકર-ચાકર છે, પણ એક સર્જકને માટે એની સાયબી એનું ભાવ જગત છે!
એના સપનાનો મહેલ એના ગામમાં આવેલું એનું તૂટેલુંફૂટેલું અને હૈયાથી, છૂટેલું ઘર છે. એનું રજવાડું ગામની ભૂમિમાં પંદરથી વીસ વર્ષ લગી આળોટેલુ એમનું બચપણ અને યુવાની છે.
વ્યવહારની દુનિયામાં જે પીડાકારક છે, તે સંવેદનના જગતમાં અલૌકિક આનંદ આપનારું માધુર્યસભર નિમિત્ત બની રહે છે. જેની પ્રતીતિ “મારો યાદગાર પ્રવાસ” વાંચતા થાય છે.
“બચપણની દુનિયા” માં નિબંધકાર લખે છે : બચપણનું સુખ કંઈક અનેરું હોય છે. એ સુખની સમૃદ્ધિ આગળ દુનિયાના તમામ સુખો ઝાંખા પડે છે. લેખક બચપણની યાદોની સંદૂક ખોલે છે ત્યારે, એ મીઠી યાદો એમને વળગી પડે છે. આ ‘વળગી પડવું’ ક્રિયાપદ જ સુખનું ઉત્તમ શિખર છે ! અને એ રીતે નિબંધકાર પરમ ભાગ્યશાળી છે. કોઈ દુન્યવી સુખની જરૂર જ નથી. આ યાદોની ગઠરી જ એટલી બધી છલકાતી છે કે તેઓને આ અલૌકિક સુખના શિખર ઉપર રહેવાનું સૌભાગ્ય સાંપડ્યુ છે. જે ગામને નિબંધકાર એ આકંઠ પીધું છે, એ જ ગામમાં જતાં લેખક પીડા અનુભવે છે. શું કામ? તો એનો જવાબ છે:” ગામને હવે ગમતું નથી!
– મણિલાલ હ. પટેલ એક જગ્યાએ લખે છે: ‘બાની સાથે ગયું બાળપણ ગામજવાની હઠ છોડી દે ….’ એમ અહીં ગામને ગમતું નથી,’માં લેખક કહે છે,’મારું ગામ ધીરે ધીરે સર્વસ્વ ગુમાવતું જાય છે. (અહીં ‘સર્વસ્વ’નો અર્થ હદયને હચમચાવી નાખનારો છે !)
નિબંધકાર આગળ લખે છે : ક્યાં ત્રણ દાયકા પહેલાનું એ ગામ?અને ક્યાં આજનું એ ગામ?! કેટકેટલું એણે ગુમાવી દીધું છે?! આજે ખાટામીઠા સંભારણાઓના સથવારે જીવતું ગામ કોઈને કોઈ કારણસર હિજરાઇ રહ્યું હોય એમ લાગી રહ્યુ છે.
આગળ નિબંધકાર જે કહે છે એ વાત બહુ દર્દ ભરી છે. : “મારું ગામ કોઈ વિધુરની મનોદશાને પોતાનામાં સાચવીને જીવતું હોય એમ લાગ્યા કરે છે. …”
ખરે જ, વિધુરનું દુ:ખ કોઈ સંસારી પુરુષ સમજી શકતો નથી. સાંજ પડ્યે ઘેર આવેલા પુરુષને પોતાની સ્ત્રીનો ચહેરો જોવાની તરસ હોય છે. વ્યાવહારિક જગતના સંઘર્ષને એ થામી નથી શકતો, ત્યારે એને જે હૂંફ અને હિંમત મળે છે, તે તેની પત્નીની જ હોય છે ! પરંતુ વિધુર થઈ ગયા પછી તો પોતાને હોંકારો આપનાર એ જીવન સંગીની ક્યાં રહી છે ? એ તો આકાશ નો તારો બની ગઈ છે!!એ વિધુર થઈ ગયેલા પુરુષને પૂછી જુઓ તો ખબર પડે કે વિધુર થઈ ગયા પછી કેટલાકના તો દરવાજા જ એને માટે કાયમને માટે બંધ થઈ જતા હોય છે!!
લેખક “ગામને હવે ગમતું નથી”…..માં પારાવાર પીડા આલેખે છે. વાત સાચી છે – ધીમે ધીમે ગામ બદલાતું જાય છે માણસ બદલાતું રહ્યું છે. હવે ગામતળ મોટા થતાં જાય છે અને મન-તળ સાંકડા થતા જાય છે !
નિબંધકાર નિબંધને અંતે લખે છે: ” ગામ અનેક સવાલો સાચવીને બેઠું છે. એકલા, હિજરાતા , ઢોર જેવું ગામ જાય તો જાય ક્યાં? નવી પેઢી બહાર નીકળી ગઈ એનો ગામને વસવસો છે. એના કરતાં વધુ વસવસો એને એ છે કે નવી પેઢી પહેલા વાર-પરબે ધામા નાખતી ,એ પણ બંધ થઈ ગયું છે. ગામને હવે લાગી રહ્યું છે કે એનાથી હવે વધુ નહીં જીરવાય !!!
-પીડાની અહીં પરાકાષ્ટા છે. કેમ કે ગામે એના કેટલાએ ગારમાટીના મકાનો કાળની થપાટે ગુમાવ્યા છે. હવે એ પેઢી દર પેઢી જેમ જેમ ખાલી થતું જાય છે, તેમ તેમ એ ખાલીપો ગામના હૃદયમાં વિસ્તરતો જાય છે.
“લાભુ ગાંડો” – એક “હૃદયદ્રાવક કથા છે. નિબંધકાર અહીં ઠલવાઈ ગયા છે. લાભુકાકા લેખકના ચિત્ત ઉપર છવાઈ ગયા છે. ગામડા ગામનો એ ભદ્રિક ભોળીઓ, એ જણ,જેની અમીરી ખાદીનું ખમીસ ,ખાદીની ચડ્ડી અને ગાંધી ટોપી છે. સાસરે ગયેલી અને પિયર આવતી ગામ ની દીકરીને લાભુકાકા જે રીતે આવકારો આપે છે, એ જોઈ ને આપણી આંખોમાં આંસુ આવી જાય છે.
લાભુકાકા વહાલપનું એક ઝરણું છે. એવા લાભુકાકા હવે નથી . લેખક ગામમાં આવે છે. લાભુ કાકા નું મૃત્યુ, એક ઘટના, લેખક માટે ટાળી ન શકાય એવી ક્ષણો છે ! લેખકને જબરો આઘાત છે કે લાભુકાકા હવે નથી!!ગામમાંથી પાછા ફરતાં લેખકની ભીતરનું ધમસાણ જુઓ : “વળતાં, બા-બાપુજીની રજા લઈ, ડેલામાં બેઠેલા માને મળી વિદાય થયો. ફરી નવાગામના રસ્તે મેં પગ ઉપાડ્યા. ‘મેલી નો ખૂંટો’, ચબૂતરો અને શાળા વટાવી થોડું ચાલ્યો .ત્યાં, કૂઈ અને અવેડો આવ્યા .થોડું વધુ ચાલ્યો ત્યાં સ્મશાન આવ્યું. હું થડકી ગયો. પગ થંભી ગયા. હૃદય ધડકી ગયું .સ્મશાનમાં ચિત્તા બળતી હતી …ત્યાં હવે કોઈ માણસો નહોતા..ચિત્તા લગભગ એની અંતિમ અવસ્થામાં હતી. ચિતા હવે લાલ ભઠ્ઠામાં ફેરવાઈ ગઈ હતી. મારા લાભુકાકાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં ભળી ગયો હતો. મારી આંખમાં ત્રીજી વખત પાણી આવ્યુ. આ વખતે આંખમાં આવેલા પાણીનું પ્રમાણ ‘કેરી’નદીમાં ચડેલી રેલ જેવું હતું !!!!
– છેલ્લી પંક્તિ સર્ગશક્તિને ઉત્તમ કક્ષાએ પહોંચાડી દે છે.
***
“બાપા નામે વારતા…” વાંચતા વાંચતા ભીના થઈ જવાય છે. પિતા સંતાનો માટે આદર્શની મૂર્તિ હોય છે .જગતના ચોકમાં માના ગુણગાન તો બહુ ગવાયા, પણ એટલા પિતાના નથી ગવાયા. પરંતુ ,સંતાનો માટે દુઃખને ઝેલી, કશુંય પણ બોલ્યા વગર, પોતાના પરિવાર અને આશ્રિતોનું ભરણપોષણ એ મૂંગે મોઢે કર્યાં કરે છે. એ પુરુષનું નામ પિતા છે . લેખક- નિબંધકાર રવજીભાઈ એમના પિતાને અનહદ ચાહે છે. અંગત રીતે હું એ પણ જાણું છું કે, એમને માટે માવતર “તીર્થ ” સમાન છે .એ માણસ(એમના પિતા) એ ,એમના જીવનમાં ભૂતકાળમાં બની ગયેલી એક ઘટનાના ખલનાયક એવા – ચોરને ક્ષમા આપી દીધી છે! આવા ક્ષમાશીલ માણસનું સંતાન હોવું એ જ મોટા આશીર્વાદ છે!!!
“હવે હું ભણીશ…”માં પણ નિબંધકાર પિતાનું ચરિત્ર હદયથી આલેખે છે.
નિબંધકાર રવજીભાઈ એક અધિકારી પણ છે. એમના કાર્યકાલ દરમિયાન થયેલા કેટલાયે કાર્યોની સુવાસ મહેકે છે .એક અમલદાર આવો ઉમદા હોય એ વાતની પ્રતીતિ અહીં લખાયેલા કેટલાયે શબ્દચિત્રો ઉપરથી થાય છે. શિક્ષક એટલે વિદ્યાર્થીની મા છે એવું મારા શિક્ષક-પિતા કહેતા. અહીં રવજીભાઈએ એમની પ્રથમની શિક્ષકની નોકરીમાં એવા કેટલાયે સત્કાર્ય કરેલા છે. તો “અભાવ વચ્ચે ભાવથી થયેલું કામ” કે, “શિક્ષકનું હૃદયપરિવર્તન,” “ઋણાનુબંધ ” જેવી વાતો છે .તો અધિકારી થયા પછીની પણ એવી કેટલીયે વાતો છે જે વાંચતા વાંચતાં આંખોમાંથી આંસુ ટપકી પડે છે!!
“પિતા વિનાની દીકરીનો પત્ર”, “સિદ્ધિની સંઘર્ષ કથા”, “નવી રીતના વહીવટની વાત” કે પછી “ઈન્દ્રજીતની રોચક સફર ની સત્યકથા” જેવી ઘટનાઓ હૃદયને હચમચાવી દે છે .
અહીં એક સંવેદનશીલ અધિકારીની કેટલીએ બાજુઓ ખુલે છે . આપણને ધારવામાં પણ ન આવે એવા પણ અધિકારી હજી રવજીગાબાણી નામે વહીવટમાં છે એનું પ્રમાણ મળતા આશા જાગે છે કે ક્યાંક તો હજી રામ બેઠા છે !!!
-નહીંતર વહીવટ એ સાવ સંવેદનવિહીન પ્રોસેસ છે પરંતુ એમણે એ વહીવટની પરિભાષા જ બદલી નાંખી. એવા કેટલાયે બનાવ અને ઘટના આ પુસ્તકમાં વાંચ્યા પછી ચોક્કસ લાગે છે કે, એક અધિકારીને બનવું જ હોય તો કોઈના સુખના સરનામાનું નિમિત્ત બની શકે છે !! એમાં કોઈ સંદેહ નથી.!!
ક્યારેક આ નિબંધો વાંચતા હદય હચમચી જાય છે. તો, ક્યારેક આંખમાથી આંસુ ટપકી પડે છે. પરંતુ, આખરે, આ નિબંધો પોઝિટિવ એનર્જી આપે છે .અને કંઈક નવી દિશા પણ આપે છે. આપણા બુઝાતા આશાના દિવડાને તે બે હથેળી આપે છે. એ નિબંધો અને કથાઓ વાંચતા-વાંચતા આપણે પણ ક્યાંક ખોવાઈ જઈએ છીએ. નિબંધોમાં રહેલું ભાષાનું પોત ઉત્તમ કક્ષાએ રચાયુ છે. બોલીતત્વનો સુચારું અને અસરકારક રીતે ઉપયોગ થયો છે.
– જિંદગીને સમજવા માટે આ નિબંધો દીવડાનું કામ કરે છે. આ નિબંધો આપણી અંદર મૃતપાય અવસ્થામાં પડેલી ચેતનાને સંકોરે છે એ ચોક્કસ છે.
– નિબંધકાર રવજી ગાબાણીએ વલોવી વલોવીને હૃદયના તળમાં પડેલી સંવેદનાની સામગ્રી અહીં પીરસી છે, જે સામગ્રીને આરોગવાથી ખરેખર તૃપ્ત થઈ જવાય, એ ચોક્કસ છે.
– યોગેશ પંડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Vithal Vaghasia

ઝેડ કેડ પબ્લિકેશને ખૂબ જ ટૂંકા સમયમાં પ્રકાશન ક્ષેત્રે ઠીક ઠીક કાઠું કાઢી લીધું છે.જોત જોતામાં ઘણાં બધાં પુસ્તકો પ્રકાશિત કરી ચૂક્યું છે.ખાસ કરીને નવોદિત લેખકોને પાંખ પસારવા માટે ખુલ્લું આકાશ આપવાનું કામ ઝેડ કેડ રહ્યું છે.આ અર્થમાં ‘write your dreams,we will published’ સૂત્ર ચરિતાર્થ કરી રહ્યું છે.બાળ સાહિત્ય અકાદમીએ પારુલબેન અને જાગૃતિબેનના પુસ્તકોને પોંખીને યશ કલગીમાં એક વધું પીંછું ઉમેર્યું છે.
તો વળી,અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ – 2022માં પ્રકાશન ક્ષેત્રનો તાજ ‘ઝેડ કેડ’ના શીરે મૂકીને ‘ઝેડ કેડ’ની ગૌરવ ગાથામાં ચાર ચાંદ લગાવ્યા છે.આ તકે લેખકો પારુલબેન અને જાગૃતિબેનને ખૂબ ખૂબ અભિનંદન અને ‘ઝેડ કેડ’ના સર્વે સર્વા મનીષભાઈ પટેલ અને ટીમ ‘ઝેડ કેડ’ને ફાંટું ભરી અભિનંદન.
ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ હંમેશા ‘ઝેડ કેડ’ પર વરસતા રહે તેવી અંતઃકરણ પૂર્વકની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.🙏

One thought on “COMPLIMENTS”

  • Viththal Vaghasia
    December 3, 2022 at 7:35 am

    Zcad the great

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!

2 thoughts on “Hello world!”

  • A WordPress Commenter
    September 19, 2022 at 2:44 pm

    Hi, this is a comment.
    To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard.
    Commenter avatars come from Gravatar.

    • admin
      October 28, 2022 at 1:29 pm

      આપના આશીર્વાદ પ્રાપ્ત થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

[ahc_stats_widget title="" fontsize="16" display_today_visitors=false display_today_pageviwes=false display_total_visitors=true display_total_pageviwes=false]
Select your currency
INR Indian rupee
Have no product in the cart!
0