KYA CHE MARI NADI ?

KYA CHE MARI NADI ?

પ્રસિઘ્ધ હાસ્યલેખકની જીવનઘડતરકથા

પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ

શું કોઈ હાસ્યલેખક તમને તેમનાં લેખનથી રડાવી શકે? હાસ્યલેખક કેવાં સંવેદનશીલ હોય છે તે તમે જાણો છો? આવાં જ એક સફળ હાસ્યલેખક જ્યારે પોતાની અંગત વાતો, પોતાનાં જીવન ઘડતરની કથા, પોતાની બાળપણની કેળવણીથી ઉચ્ચશિક્ષણ મેળવવાં સુધીની યાત્રાની રોમાંચક વાતો કરે છે, ત્યારે વાચકો અને ભાવકો આ વાતોમાં ચોક્કસથી રસતરબોળ થઈ જાય છે. હું વાત કરું છું આપણાં સૌનાં પ્રિય હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરની.

શ્રી રતિલાલ બોરીસાગરનો જન્મ થયો હતો, સાવરકુંડલામાં. આ સાવરકુંડલામાં વહેતી નદી ‘નાવલી’. આ નાવલી નદી લેખકનાં જીવનનો અતૂટ હિસ્સો છે. બસ, ત્યાંથી શરુઆત થાય છે લેખકની આ આત્મકથા કહો કે અંગત નિબંધોની જેનું નામ છે, ‘ક્યાં છે મારી નદી?’.

વરિષ્ઠ સર્જક-વિવેચક શ્રી ધીરેન્દ્ર મહેતા પ્રસ્તાવનામાં લખે છે, ‘સમગ્ર રીતે જોતાં આપણાં ગ્રામસમાજના નિમ્ન મધ્યમવર્ગના કુટુંબના હૂંફાળા વાતાવરણ વચ્ચે ઊછરી રહેલા એક શિશુની, યુવાવસ્થામાં પ્રવેશ પર્યંતની, આ કેળવણીકથા છે – હ્દયની કેળવણીની અને વિદ્યાકીય કેળવણીની, એ શિક્ષાર્થી સ્વયં શિક્ષક બન્યો ત્યાં સુધીની. આ કથાનાં શરૂઆતના અંશો- ‘આંબલી શેરી’ અને ‘ક્યાં છે મારી નદી?’ હ્દયની કેળવણીની વાત કહે છે અને પછીનાં અંશો વિદ્યાકીય કેળવણીની, એમ આપણે કહી શકીએ. અલબત્ત, એ બંને મળીને લેખકની જીવનઘડતરકથા માંડે છે. આખી કથા સાફસૂથરી ભાષામાં વિશદ રીતે કહેવાઈ છે. એનું ગદ્ય ખાંચાખૂંચી- વિહોણું પ્રાસાદિક અને સંમાર્જિત છે. વચ્ચેવચ્ચે આવતાં સાહિત્યિક સંદર્ભોથી નિરૂપણ રસાત્મક બને છે.’

લેખક શ્રી રતિલાલ બોરીસાગર પુસ્તકની ભૂમિકા બાંધતા લખે છે, ‘વર્ષ ૧૯૯૯થી વર્ષ ૨૦૦૫ સુધી હું ‘અખંડ આનંદ’ના સંપાદન-કાર્યમાં જોડાયો હતો. આ અરસામાં દીપોત્સવી અંક માટે આ અંગત નિબંધો લખવાની શરૂઆત કરી હતી, ત્યારબાદ ‘પરબ’ માટે અમુક નિબંધો લખાયાં. આ પછી વિચાર આવ્યો કે તરુણવય સુધીનાં સંસ્મરણોનું નાનકડું પુસ્તક કરું. વર્ષ ૨૦૨૦માં મારું હાસ્યરસનું એકેય પુસ્તક તૈયાર થયું નહીં એટલે વળી, અંગત નિબંધોનું પુસ્તક તૈયાર કરવાનો વિચાર મનમાં ઝબક્યો! મારા કૉલેજશિક્ષણ અને છાત્રાલયશિક્ષણનાં સંસ્મરણો લખવાં શરૂ કર્યાં. આ લેખો અહીં પહેલી જ વાર પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. આ બધાં લેખોમાં મારું હ્રદય કેન્દ્રસ્થાને છે. મારાં સંવેદનોનું આ અક્ષરરૂપ છે. આ લેખો લખીને મારી ચેતનામાં વ્યાપી ગયેલાં સૌ પ્રત્યે મારું ઋણ અદા કર્યું હોય એવી લાગણી મને થાય છે.’

‘હૈયે પગલાં તાજાં…’ અને ‘ઉચ્ચશિક્ષણની અધૂરી યાત્રા…’ એમ બે વિભાગમાં વહેંચાયેલી લેખકની આ જીવનકથા લેખકનો જન્મ થયો હતો તે ‘આંબલી શેરી’ થી શરૂ કરીને ‘ ઉચ્ચશિક્ષણનું એ એક વરસ – ૨’ પર પૂર્ણ થાય છે. કેટલીક દુર્લભ તસવીરોથી સજ્જ આ પુસ્તક લેખકનાં હ્દયની ખૂબ જ પાસે છે, તેવી અનુભૂતિ ચોક્કસ થાય છે. નદીની આપણી સંસ્કૃતિ લેખકનાં હ્દયમાં આજે પણ અંકિત થયેલી છે, એટલે જ લેખકે આ પુસ્તકનું શીર્ષક’ ક્યાં છે મારી નદી?’ રાખ્યું છે. આવો, આપણે પણ તે નદીની રેતીમાં થોડા આળોટીએ.

‘એક કાળે સાવર અને કુંડલા બે ગામ હશે. એ બે ગામની બરાબર વચ્ચે નાવલી વહેતી હતી – માતા જાણે બંને હાથની એકેક આંગળીએ પોતાનાં બે શિશુઓને વળગાડીને ચાલી જતી હોય એવી નદી! સાવરકુંડલા જવાનું થાય ત્યારે દિવસમાં એક-બે વાર નાવલી નદીનાં પટ પાસેથી નીકળવાનું થાય. આ પટ-સોંસરવા પસાર થતાં જ જૂનાં સાવરકુંડલાવાસીઓ જેને લાડથી ‘નવલગંગા’ તરીકે ઓળખે છે તે મારી ‘નાવલી નદી’ની યાદથી મારું હ્રદય વિષાદથી ભરાઈ જાય છે. મણિભાઈ ચોકથી રિધ્ધિસિધ્ધિનાથ મહાદેવના મંદિર પાસે પહોંચું છું ત્યારે જ્યાં નાવલી વહેતી હતી એ જગ્યાએ સિમેન્ટનો પાકો રસ્તો જોઈ નિસાસો નખાઈ જાય છે; હ્દયમાંથી ચિત્કાર ઊઠે છે.’ ક્યાં છે મારી નદી?”

પુસ્તક પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.

મોબાઈલ : 92270 55777

કિંમત : ₹ 170

પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: 960165965

Previous Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Select your currency
INR Indian rupee
Have no product in the cart!
0