EK YATRA AVI PAN…

EK YATRA AVI PAN…

ર્હૃદયનાં સંબંધોની કથા: એક યાત્રા આવી પણ…

પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ.

અમેરિકામાં રહેતી ‘રિયા’ ૨૦ વર્ષની થઈ ગઈ છે. તેને જન્મથી પાંચ વર્ષ સુધી ઉછેરેલ તેની નેની ‘ અનન્યા’ તેને હજુ પણ યાદ આવે છે. રિયા પાસે અનન્યાએ લખેલી ડાયરી છે, પરંતુ તેને ગુજરાતી વાંચતાં નથી આવડતું. તેવામાં ફેસબુક પર તેનો ‘ કૃતિ’ સાથે સંપર્ક થાય છે.‌ અમદાવાદમાં રહેતી કૃતિ ભણવા માટે અમેરિકા જાય છે. રિયા, કૃતિની મદદ કરે છે. કૃતિ, રિયા પાસે રહેલી અનન્યાની ડાયરી તેને વાંચી સંભળાવે છે.‌ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત રિયાને હવે ભારત જવું છે, તેની નેની ‘અનન્યા’ને મળવું છે. રિયા ‘અનન્યા’ ને મળવાં માટે કેમ આટલી બધી આતુર છે? કેમ અનન્યા અચાનક ‘રિયા’ ને છોડીને ભારત પરત ચાલી ગઈ? અનન્યા અત્યારે ભારતમાં શું કરે છે? રિયાના માતા – પિતા, રિયાથી શું છુપાવી રહ્યાં છે? શું રિયા અને અનન્યાની મુલાકાત થઈ શકશે? રિયાની ભારતયાત્રા કેવી રહેશે? આ બધાં સવાલો ઉદ્ભવે છે, નવલકથા ‘એક યાત્રા આવી પણ…’ વાંચતાં વાંચતાં અને જ્યારે તે સવાલોનાં જવાબો આપણને વાંચવાં મળે છે ત્યારે આપણું મન જાણે તૃપ્તિનો અનુભવ કરે છે.

સાહિત્યકાર, કવયિત્રી, શિક્ષણવિદ્, સમાજસેવિકા અને પ્રખર વક્તા શ્રીમતી પ્રજ્ઞા વશીની ઈનામ વિજેતા લઘુનવલ ‘અભિતપ્ત’ નો ઉત્તરાર્ધ એટલે આ નવલકથા ‘એક યાત્રા આવી પણ…’. લેખિકા પોતાની અંગત વાત કરતાં લખે છે, ‘લઘુનવલ ‘અભિતપ્ત’ જેમ જેમ લખાતી ગઈ તેમ તેમ મનમાં એક વિચાર પાંગરતો રહ્યો કે આ લઘુનવલનાં પાત્રો જગત જ્યારે કોરોનામુક્ત હશે ત્યારે શું કરતાં હશે? આ વિચારબીજ એક વટવૃક્ષ બનીને નવલકથા લખવા માટે ટકોરા મારતું રહ્યું. ‘અભિતપ્ત’ લઘુનવલ વાચનારે ‘એક યાત્રા આવી પણ…’ નવલકથામાંથી પસાર થવું જ પડશે. એનું કારણ છે ડાયરી. એક એવી ડાયરી કે જે ‘એક યાત્રા આવી પણ…’ની નાનકડી રિયાને ભારતની સંસ્કૃતિ જોવા-જાણવા ભારત સુધી ખેંચી લાવે જ છે પણ સાથેસાથે એનાં સંપર્કમાં આવનારને પણ વિચારતા કરી મૂકે છે. નાનકડી રિયાને અનન્યાએ પોતાની સગી દીકરીની જેમ ઉછેરી છે. એ દીકરીથી છૂટા પડ્યા પછી શું અનન્યા એ દીકરીને મળી શકશે ખરી? કે પછી એની જીવનયાત્રા અધૂરી ઈચ્છાઓની પોટલી ઊંચકીને નવી નવી અગ્નિપરીક્ષા આપવામાં જ પુરી થઈ જશે? બને એટલી સરળ – સહજ શૈલીમાં મેં આ કથાને આગળ વધારી છે. આપણી આસપાસ આવી અનેક સંબંધોની કથા વણાતી રહેતી હોય છે અને કદાચ એમાંથી જ એક કથા હું આકારી શકી છું એનો મને આનંદ છે.’

પ્રોફેસર શ્રીમતી દક્ષા વ્યાસ પોતાનો અહોભાવ વ્યક્ત કરતાં લખે છે, ‘જીવન એક યાત્રા છે. એ દુઃખદાયી- કષ્ટદાયી કે આનંદદાયી- સુખદાયી હોય છે. ભવિષ્યની આશા જ માણસને જીવવાનું બળ આપે છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે પાંચ વર્ષની વય સુધી બાળકનાં વ્યક્તિત્વનો નકશો તૈયાર થઈ જાય છે. આ અબુધ અવસ્થામાં મળેલી મમતા રિયાના ર્હૃદયમાં ભારત અને ભારતીય નેની અનન્યા પ્રત્યે સતત અહોભાવ અને ખેંચાણ જન્માવે છે. આ નવલકથામાં બધું સમથળ ભૂમિકા ઉપર બનતું રહે છે. નરસિંહરાવ કહે છે તેમ જીવન માત્ર દુઃખપ્રધાન જ હોય એવું નથી, સુખપ્રદાન પણ હોઈ શકે. એ રીતે આ એક આશાવાદી ને શુભવાદી કથા બની રહે છે.’

સાહિત્યકાર શ્રી બકુલેશ દેસાઈ અને શ્રીમતી ઉષા ઉપાધ્યાયે પણ આ પુસ્તકને તેમની શુભેચ્છાઓ પાઠવી છે. જુદાં જુદાં ક્ષેત્રોનાં અનેક સાહિત્યક એવોર્ડ્સ મેળવનાર લેખિકા શ્રીમતી પ્રજ્ઞા વશીનું આ બારમું પુસ્તક છે. નિવૃત્તિ પછી પણ શ્રીમતી પ્રજ્ઞા વશીની સાહિત્યયાત્રા ખૂબ પ્રગતીશીલ રહી છે.

લોહીનાં સંબંધો કરતાં પણ ચડિયાતાં પુરવાર થતાં ર્હૃદયનાં સંબંધોને આલેખતી આ ર્હૃદયસ્પર્શી નવલકથા, જ્યાં પૂર્ણ થાય છે, ત્યાંથી જ ફરીથી ભાવકનાં મનમાં શરૂ થાય છે અને દરેક ભાવકનો એક જ ર્હૃદયોદ્ગાર હોય છે ‘ એક યાત્રા આવી પણ…’.

યાત્રાનો એક અંશ

‘ જિંદગી માત્ર શ્વાસોના ઢેર વેંઢારવાની પ્રક્રિયા નથી, જિંદગી તો સપનાં અને વાસ્તવની વચ્ચેનો એક આહ્લાદક મુકામ છે, જે આપણે આપણી હકારાત્મક દ્રષ્ટિએ માણવાનો છે. આ મુકામમાં રોમાંચ છે, પ્રેમ છે, સૌંદર્ય છે, શાંતિ છે, ગતિ છે, કલ્પનાનાં રંગો છે તેમજ સંબંધોની સુવાસ છે. આ રંગો અને સંબંધો વિનાનું જીવન એટલે માત્ર શ્વાસોનું સ્મશાન અને એક સન્નાટો.’

પુસ્તક પ્રકાશક: સાહિત્ય સંગમ, સુરત.

મોબાઈલ: 96871 45554

કિંમત: ₹ ૧૩૦/

Previous Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Select your currency
INR Indian rupee
Have no product in the cart!
0