BAS, AMASTAN J

BAS, AMASTAN J

જિંદગીની એક ઊડતી મુલાકાત

પુસ્તક પરિચય : રિપલકુમાર પરીખ

આપણી જિંદગીનાં આગમનથી શરુ કરીને છેલ્લી ઘડી સુધી અનેક સામાજિક પ્રસંગો બને છે. આ સામાજિક પ્રસંગો ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આપી જાય છે, ક્યારેક નવી અનુભૂતિ મળે છે, તો ક્યારેક વિચારોનાં વમળો ઊભાં કરી જાય છે. જિંદગીનાં આવાં જ કેટલાંક કલમબધ્ધ પ્રસંગો જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણને એવું ચોક્કસ લાગે છે કે આ તો મારો જ પ્રસંગ છે. કથાનું ક્લેવર જ્યારે ટૂંકમાં આલેખાય છે ત્યારે બને છે એક આદર્શ લઘુકથા, આવી જ આપણાં ર્હૃદયમાં ઘેરી છાપ છોડીને જતી, આપણને નિ: શબ્દ કરી દેતી લઘુકથાઓનો સંગ્રહ એટલે ‘ બસ, અમસ્તાં જ ‘.

હાલમાં ડેપ્યુટી કલેકટર તરીકે પોતાની ફરજ બજાવતાં લેખિકા શ્રીમતી નસીમ મહુવાકર ની પરિપક્વ કલમનો નમૂનો એટલે તેમનો આ ત્રીજો લઘુકથા સંગ્રહ ‘બસ, અમસ્તાં જ’. જૉય એન્ટરપ્રાઈઝ, અમદાવાદ દ્વારા પ્રકાશિત આ લઘુકથા સંગ્રહમાં સરળતા અને સહજતા સમાયેલી છે. સામાન્ય માનવીની લાગણીઓને લેખિકાએ અદ્ભૂત રીતે રજૂ કરી છે. સંવેદનશીલ સાહિત્ય વાંચવા માંગતા દરેક વાચકને આ પુસ્તક તેનાં તરફ ચોક્કસ ખેંચી લાવે છે.

લઘુકથાનાં અભ્યાસુ શ્રી હરીશ મહુવાકરે અહીં લખ્યું છે, ‘નસીમની લઘુકથાઓ સ્વરૂપનાં ધારાધોરણે અવ્વલ. સંવેદન પસંદગી કાબિલે તારીફ. અનુભૂતિ માટેની અભિવ્યક્તિ ધારદાર. ઉચિત પાત્રો, ઉચિત સંવાદો અને ઉચિત વર્ણન. વિષય નાવીન્ય એમ સામાજિક પ્રશ્નોનાં નિરાકરણ માટેનાં વલણમાં પણ નાવીન્ય. સહજતા અને સરળતા એ બંનેનું રસાયણ આનંદદાયક અને સૌંદર્યમૂલક કથાઓ પ્રગટાવે. વર્તમાન જગત અને તેની સાથેની રચનાત્મક દ્રષ્ટિનો પરિચય આપે છે.’

લેખક શ્રી મનોહર ત્રિવેદી પુસ્તક અને લેખિકાની વાત કરતાં લખે છે, ‘ગણેશસ્થાપન જ સારા ચોઘડીયે થયું છે. ‘ચાંદલો’ આ લઘુકથાસંગ્રહની પ્રથમ કૃતિ છે. વાંચતાં જ એક વિશ્વાસ જન્મે છે, નસીમ પાસેથી આ પછીનાં પાનાંઓ પર આટલી કે આનાથીયે અધિક સ્વ-રૂપવાન, ઉત્કૃષ્ટ ને ચિત્તાકર્ષક લઘુકથાઓ મળવાની છે.’

જરાક અમથી વાત કરતાં શ્રીમતી નસીમ મહુવાકર લખે છે, ‘આમેય મારે ક્યાં ઝાઝું કહેવાનું હોય? જે કહે એ લઘુકથાઓ કહે. પરંતુ જ્યારે આ ત્રીજો સંગ્રહ આપી રહી છું ત્યારે નાની મોટી વાતો મમળાવવી ગમે જ. અગાઉના બે સંગ્રહ ‘અમે’ અને ‘ફરીથી’ મારાં અને હરીશના સંયુક્ત. એ દ્રષ્ટિએ આ સંગ્રહ મારાં માટે અનોખો અને નોખોય. ઘણા વડીલો, મિત્રોની અપેક્ષા કે હું એકાદ સ્વતંત્ર સંગ્રહ આપું. લઘુકથાઓ પણ પૂરતાં પ્રમાણમાં હતી. થોડી અવઢવ મનમાં ચાલી. અંતે નિણર્ય લેવાયો કે સ્વતંત્ર સંગ્રહ આપવો અને પરિણામે તૈયાર થયો –‘બસ, અમસ્તાં જ’.’

અહીં પચાસ જેટલી ઉમદા લઘુકથાઓનાં સંગ્રહમાં લેખિકાએ સ્ત્રીની દ્રષ્ટિએ પણ લઘુકથાનું સુંદર આલેખન કર્યું છે. જેમાં તાવડી, રોટલી, કૉફી, ટમેટું, રસોઈ, ચા અને ખીર જેવી વિવિધ દરેક વ્યક્તિને મનભાવતી સામગ્રી પીરસી છે. ભાવતી સામગ્રીનો આ રસથાળ દરેકે એક વખત અવશ્ય ચાખવો જોઈએ તેવું હું ‘બસ, અમસ્તાં જ’ નથી કહેતો.

પુસ્તક પ્રકાશક : જૉય એન્ટરપ્રાઈઝ, અમદાવાદ .

મુખ્ય વિક્રેતા : ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ., અમદાવાદ .

કિંમત : ૧૨૦/-

Previous Article
Next Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Select your currency
INR Indian rupee
Have no product in the cart!
0