AUSTRALIA NO PRAVAS

AUSTRALIA NO PRAVAS

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ

પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ

‘ઉત્તુંગ વૃક્ષોની વચ્ચેથી આકાશ અવનવા આકારોરૂપે મૂર્ત થતું જતું હતું. રસ્તાની બંને બાજુ ઘેઘૂર વૃક્ષોની હારમાળા કમાન સર્જતી હતી. તેના કારણે સવાર અને સાંજના ભેદ જ મટી જતા હતા. વળી, મેદાનો આવ્યા-રંગ બદલાયો. રૂપ બદલાયું. પ્રકૃતિ મોહિની બનીને અમને મોહ પમાડી રહી. તેના લાવણ્યના લટકે લટકે અમે લુબ્ધ થતા જતાં હતાં. એક બાજુથી મેદાન બોલાવે અને બીજી બાજુથી પેલા દ્રુમો તેના બાહુ પ્રસારે. અમે તો દિગ્મૂઢ થઈ ગયા હતા. ।। न ययौ न तस्थौ।।’
– ડૉ. કાલિન્દી પરીખ.

આદરણીય લેખક શ્રી કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું, ‘પગથી ચાલે તે પ્રવાસ, હૃદયથી ચાલે તે યાત્રા અને સમૂહમાં ચાલે તે સમાજ.’ આવી અદ્ભુત વ્યાખ્યા આપનાર કાકાસાહેબ કાલેલકરે આપેલું હિમાલયનાં પ્રવાસનું અવિસ્મરણીય પુસ્તક, ‘હિમાલયનો પ્રવાસ’ ગુજરાતી સાહિત્યનું યાદગાર પુસ્તક છે. હિમાલયનો પ્રવાસ આધ્યાત્મિકતાની યાદ અપાવે છે, કાશીનો પ્રવાસ ધાર્મિકતાની યાદ અપાવે છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ સ્વર્ગખંડની યાદ અપાવે છે. સ્વર્ગખંડ સમા ઓસ્ટ્રેલિયાનાં એડિલેડની યાદગાર મુસાફરીનું અદ્ભુત વર્ણન કરાવતું મનનીય પુસ્તક એટલે, ‘ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ.’

આદરણીય લેખિકા ડૉ. કાલિન્દી પરીખની સંશોધનાત્મક નજરથી આલેખાયેલું, આ સુંદર પુસ્તક ‘ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ’, વાચકોને ઘરે બેઠાં બેઠાં ઓસ્ટ્રેલિયાનાં રમણીય અને ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરાવી જાય છે. અનેક ઉચ્ચ પુરસ્કાર અને સન્માનો પ્રાપ્ત લેખિકા, ડૉ. કાલિન્દી પરીખની કલમે આપણને, ‘અંતર્દાહ’, ‘અપરિચિતા’ જેવી ઉત્તમ નવલકથાઓ, ‘વેદોમાં પર્યાવરણ’ ઉત્તમ સંશોધનાત્મક પુસ્તક, ‘ભાગ્યવિધાતા’ કિશોરકથા, ઉપરાંત ટૂંકી વાર્તાસંગ્રહ, ગઝલસંગ્રહ, અનુવાદો, નિબંધ સંગ્રહ, સંસ્કૃતનાં પુસ્તકો પણ આપ્યાં છે. પ્રસ્તાવનામાં લેખિકા જણાવે છે, ‘કાલિદાસે મેઘદૂતમાં ઉજ્જૈનનું વર્ણન કરતાં કહ્યું છે કે ધરતી પર આવવાનું થયું ત્યારે સ્વર્ગનાં નિવાસીઓએ પોતાનાં બાકી રહેલાં પુણ્યના બદલામાં સ્વર્ગનો એક કાંતિમાન ખંડ માંગી લીધો અને તેને ધરતી પર લઈ આવ્યાં. તે સ્વર્ગખંડ તે જ ઉજ્જૈન. પણ આ પૃથ્વીમાં આવા કાંતિમાન સ્વર્ગખંડો બીજે પણ ક્યાંક ક્યાંક આજે ય અસ્તિત્વ ધરાવે છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયાનાં છેડે આવેલું એડિલેડ અને એનો સૌંદર્યમંડિત પરિસર એક આવો જ સ્વર્ગખંડ છે. તેનો સાક્ષાત્ અનુભવ મને એડીલેડમાં પ્રવેશતાં જ થઈ ગયો.’

લેખિકાએ અહીં એડીલેડની સંસ્કૃતિ, ઐતિહાસિકતા, શિક્ષણ, પર્યાવરણ જાગૃતિ, આબોહવા, સ્વાસ્થ્ય, ન્યાયવ્યવસ્થા ઉપરાંત અહીંનાં રમણીય સ્થળો જેમાં ત્યાંના બીચ, તળાવો, બગીચા, હીલ સ્ટેશનનું એવું તાદ્રશ્ય વર્ણન કર્યું છે કે હમણાં જ જો પાંખો ફૂટે તો ત્યાં પહોંચી જઈએ. એક લેખકની નજર હંમેશાં પુસ્તકો પર હોય છે, લેખિકાએ ત્યાં વિવિધ પુસ્તકાલયોમાં પોતાનો અમૂલ્ય સમય પણ ફાળવ્યો છે. તે ઉપરાંત તેમણે એડીલેડમાં ફ્લીડર્સ યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસની અને યુનિસા યુનિવર્સિટીની પણ મુલાકાત લઈને ત્યાંની શિક્ષણવ્યવસ્થા વિશે જાણકારી પ્રાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયા જાઓને કાંગારુને ના નિહાળો તે કેમ બને? લેખિકાએ વિવિધ નેશનલ પાર્કમાં કાંગારુ તો નિહાળ્યાં જ છે, તેમણે તો આખેઆખા કાંગારુ આઈલેન્ડનાં વિશિષ્ટ દર્શન પણ વાચકોને પુસ્તકમાં કરાવ્યાં છે. તો હવે, ઘરે બેઠાં બેઠાં ઓસ્ટ્રેલિયા પહોંચી જવા માટે તૈયાર થઈ જાઓ. પુસ્તકનો એક અંશ માણીએ.

‘આ શહેર એટલું હરિયાળું છે કે તેને હરિયાળી નગરી કહેવાને બદલે હરિયાળીમાં ઊગેલું નગર એમ કહેવું વધુ ઉચિત રહેશે. અહીં ઘણાં બધાં નાના-મોટા ઉદ્યાનો આવેલા છે. ઉદ્યાનોનું નગર નહીં પણ ઉદ્યાનોની વચ્ચે એક ‘પુરમ્’ ને કંડારવામાં આવ્યું છે. લીલી કૂંપળોનું ટાંકણું લઈને તેનું શિલ્પ-સ્થાપત્ય રચવામાં આવ્યું છે. થોડુંક ચાલીએ ત્યાં એકાદ પાર્ક લીલોછમ ટહુકો કરતો જ હોય.’

પ્રકાશક : રંગદ્રાર પ્રકાશન, અમદાવાદ.

કિંમત: ₹ ૧૩૦/-

Next Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Select your currency
INR Indian rupee
Have no product in the cart!
0