ABHITAPT

ABHITAPT

વૈશ્વિક મહામારીમાં એક નર્સની સંઘર્ષકથા

પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ

આ વાર્તા છે, વીસ વર્ષની ‘અનન્યા’ ની. ભારતમાં કઈ પરિસ્થિતિમાં અનન્યા જીવી રહી હતી? અમેરિકા જવાની અનિચ્છા હોવા છતાં તે કેમ અમેરિકા ગઈ? અમેરિકામાં તેની સાથે એવી કઈ ઘટના બની કે જેને કારણે તેણે પાંચ વર્ષમાં જ ભારત પરત ફરવું પડ્યું? ભારત પરત ફરીને તેના પર કેવી આફતો આવી પડી? હવે અનન્યા શું આત્મહત્યા કરશે? કે પછી તેની જિંદગીમાં કોઈ નવો વળાંક આવશે? જીવનની અનેક કશ્મકશ દર્શાવતી , સંબંધોનાં નવાં પરિમાણો સ્થાપિત કરતી એક સુંદર લઘુનવલ એટલે ‘ અભિતપ્ત ‘.

સાહિત્યકાર, કવયિત્રી, શિક્ષણવિદ્, સમાજસેવિકા, પ્રખર વક્તા, નર્મદ સાહિત્ય સભાનાં ઉપપ્રમુખ તથા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ વિજેતા લેખિકા શ્રીમતી પ્રજ્ઞા વશી નું અગિયારમું પુસ્તક એટલે ‘ અભિતપ્ત ‘. અંગત અનુભૂતિનું વર્ણન કરતાં લેખિકા લખે છે, ‘ દરિયો અભિતપ્ત થાય તો વાદળ બંધાય, તો વરસાદ પડે અને ધરતી લીલીછમ થાય. એક શેકાય કે તાપમાં બળે તો જ બીજાને સુખ મળે. આ લઘુનવલ ‘ અભિતપ્ત’ માં વીસ વર્ષની નાયિકા અનન્યા કઈ રીતે અભિતપ્ત થઈ? જીવનની એરણે એ કઈ રીતે ટિપાતી રહી? એ કઈ રીતે ભારતથી અમેરિકા ગઈ અને અમેરિકાથી કોરોના સંક્રમિત થઈ પાછી ફરી? કપરા સંજોગો, જીવનભરનો સંઘર્ષ, પ્રિય વ્યક્તિ સાથેનો વિરહ અને કોરોનાનો ભોગ બનવું એ એની નિયતિ હતી? મુખ્ય નાયિકા અનન્યાની આસપાસ આ કથા વિસ્તરી રહી છે. વી. આર. ટી. આઈ. રિસર્ચ કૉલેજ, માંડવી- કચ્છ દ્વારા યોજાયેલ લઘુનવલ સ્પર્ધામાં છત્રીસ લઘુનવલોમાંથી પ્રથમ આશ્વાસન ઈનામ આ લઘુનવલને પ્રાપ્ત થયું છે મને એનો વિશેષ આનંદ છે.’

જાણીતા વિવેચક અને કવિ શ્રી રવીન્દ્ર પારેખ આ પુસ્તક પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં લખે છે,’ અભિતપ્ત એટલે દુઃખથી ખૂબ તપેલું. સતત ભડકા વચ્ચે જ જીવવાનું આવ્યું હોય એવી વ્યક્તિને અભિત ગણી શકાય. અનન્યા એવી જ સ્ત્રી છે. પિતાની સ્વસ્થતા જળવાઈ રહે એ ગણતરીથી વીસેક વર્ષની અનન્યા બનાવટી પાસપોર્ટ પર મહંમદભાઈની મદદથી અમેરિકામાં ડૉ. ભાસ્કરને ત્યાં તેની દીકરી રિયાની દેખભાળનું કામ મેળવે છે. આ કામ તે પૂરી નિષ્ઠાથી કરે છે ને પાંચ વર્ષમાં તો તે રિયાની મા જ બની રહે છે. ડૉક્ટરની મદદથી તે નર્સિંગનું કામ પણ શીખી લે છે ને ઘરની અનિવાર્ય વ્યક્તિ બની રહે છે. પણ, તેને અમેરિકા છોડવાની ફરજ પડે છે. અહીં આખી કથા રસપ્રદ રીતે કહેવાઈ છે. વાચક તેમાં ઓતપ્રોત થાય એવું ઘણું બધું ‘ અભિતપ્ત’ માં છે. કોરોનાની લઘુનવલ કોઈએ અમેરિકાથી શરૂ કર્યાનું આ પહેલું જ ઉદાહરણ હશે એમ હું માનું છું ને એને માટે લેખિકાને અભિનંદન આપવા ઘટે.’

ડૉ. પન્ના ત્રિવેદી આ પુસ્તકને ‘ ઝંઝાવાત વચ્ચે ફૂલ ‘ ગણાવતાં લખે છે, ‘ પારિવારિક વેદનાનાં ઝંઝાવાતમાં ઘેરાયેલ નાયિકા નાછૂટકે બીજા મુલકની યાત્રા ખેડે છે. પારકી બાળકીને ઉછેરવાનું કામ સ્વીકારે છે પણ એ નિમિત્તે ખરેખર તો આ સ્ત્રી માનવીય ગરિમાને જ ઉછેરે છે, સીંચે છે. કોરોનાની મહામારી દરમિયાન માણસાઈ નેવે મૂકનારા માણસો નાયિકાને ભારતની ધરતી પર ધકેલે છે. અહીં વિદેશનું સુખ ખૂંચવાઈ જવાનો રંજ નથી પણ વેદના એ હતી કે જે બાળકી સાથે તે સ્નેહનાં અતૂટ તાંતણે બંધાઈ હતી એની સાથેના વિયોગને લીધે જીવતર ટકાવી રાખવાનો એક માત્ર આધાર પણ છીનવાઈ જાય છે. આમ છતાં, સમષ્ટિ પ્રત્યે, માનવતા પરત્વે શ્રધ્ધા ન ગુમાવતી સ્ત્રીનાં વિજયની આ કથા છે. અને આ કથાનું એક સામ્પ્રત મૂલ્ય પણ છે. આ યાત્રાની ભીતર એક આંતરયાત્રા પણ છે જેમાં આપ સહુને આવકાર છે.’

નર્મદ સાહિત્ય સભા, સુરતનાં પ્રમુખ શ્રી પ્રફુલ્લ દેસાઈ તથા ઍડવોકેટ અને વાર્તાકાર શ્રીમતી ભારતી દેસાઈએ પણ આ પુસ્તકને તેમની શુભેચ્છાઓ પાઠવી છે. કોરોનાનાં કપરાં સમયની કથા દર્શાવતી આ લઘુનવલ, જે આપણને ફરીથી આપણાં સૌનો એ કપરો સમય અને માનવતાની મહેકને યાદ કરાવી જાય છે.

પુસ્તક પ્રકાશક: સાહિત્ય સંગમ, સુરત.

મોબાઈલ: 96871 45554

કિંમત: ₹ ૭૦/-

Previous Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Select your currency
INR Indian rupee
Have no product in the cart!
0