AME
પ્રતીતિજન્ય લઘુકથા સંગ્રહ: અમે
પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ .
‘સંવેદનશીલ ર્હૃદયમાંથી ઉદ્ભવતું એક ભીનું વાદળ એટલે એક આદર્શ લઘુકથા.’ જ્યારે એક સંવેદનશીલ સર્જકનાં ર્હૃદયમાં વાદળ બંધાય અને તે વાદળ સર્જકની કલમ દ્વારા કાગળ પર વરસી પડે ત્યારે તે સર્જન ભાવકના ર્હૃદયને ચોક્કસ ભીંજવી દે છે. આવી જ, ભાવકને પરિતોષતી અને સંવેદનાથી છલકતી, ર્હૃદયને ઝંકૃત કરતી પ્રતીતિજન્ય લઘુકથાઓનો સંગ્રહ એટલે: અમે .
લઘુકથા સાહિત્યમાં ખૂબ જ આદરપૂર્વક લેવાતું નામ એટલે સ્વ. હરીશ મહુવાકર અને તેમનાં જીવનસંગિની શ્રીમતી નસીમ મહુવાકર, બંનેની લઘુકથાઓનું સંયુક્ત પુસ્તક એટલે ‘ અમે.’ સાહિત્ય જગતમાં પતિ- પત્ની બંને સાહિત્યરસિક હોઈ શકે પણ બંને સર્જક હોય અને એક જ સ્વરૂપમાં સર્જન કરે તે નોંધપાત્ર ઘટના છે. આ પુસ્તકમાં એ સ્પષ્ટ થાય છે કે આ બંને પતિ – પત્નીનો લઘુકથા પ્રત્યેનો રસ, ભાવ અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ સમાન ઉપરાંત ભિન્ન પણ છે, જે ભાવકને સ્પર્શી જાય છે.
લેખક શ્રી ભગવત સુથાર, શ્રીમતી નસીમ મહુવાકરની લઘુકથાઓ વિશે લખે છે, ‘ ‘હમ’ સરનામે નિવાસ કરતી – હરીશનો ‘હ’ અને નસીબનો ‘મ’ એમ અર્થમય બેલડી રચતી સારસીતુલ્ય નસીમ મહુવાકરની પચીસ જેટલી સુવાચ્ય, સુગમ્ય અને સ્મરણમાં રમ્યા કરે તેવી લઘુકથાઓ માણવાનું સદ્ભાગ્ય મને મળ્યું તેનો સવિશેષ આનંદ છે. નસીમમાં લઘુકથાના સર્જન બાબતે સમજ છે. સ્વરુપની સભાનતા છે. સ્વરૂપને પારખવાની મથામણ અને ઘાટઘુટની સાર્થકતાને તે પ્રમાણે છે. લઘુકથા એ જીવનની ક્ષુદ્ર અને ક્ષુલ્લક પળોનું ચિત્રણ માંગે છે. જીવાતા જીવનમાં રહેલી આવી ક્ષુદ્ર ક્ષણો નસીમથી છટકતી નથી. ‘અમે’ સંગ્રહ નસીમને ગુજરાતી લઘુકથાકારોની હરોળની અધિકારિણી બનાવશે એમ બોલી જવાય છે.’
લઘુકથાકાર શ્રી પ્રફુલ્લ રાવલ સ્વ. હરીશ મહુવાકરની લઘુકથાઓ વિશે લખે છે, ‘ હરીશ મહુવાકરની આ લઘુકથાઓના વાચને સાવ નિરાશ ન થવું પડ્યું એ જ મોટી ઉપલબ્ધિ. સ્વરૂપ દ્રષ્ટિએ લઘુકથાનું સર્જન ભારે સજ્જતા માંગી લે તેવું છે. અહીં સર્જકની સજ્જતા અછાની રહેતી નથી છતાંય સઘળી લઘુકથા સમાન પરિતોષ આપે તેવું બન્યું નથી પરંતુ બહુધા હરીશ મહુવાકરે સફળતા મેળવી છે અને તેથી લઘુકથાકાર તરીકે એને પોંખવાનો આનંદ અનુભવું છું. આ સંગ્રહની પચ્ચીસ લઘુકથાઓમાં વિષયનું દેખીતું વૈવિધ્ય જરૂર છે. પરંતુ એક સમાન અનુભૂતિ પણ ગૂંથાયેલી છે તે ઘવાયેલી ભાવનાની. આથી જ આ લઘુકથાઓ મનને ગતિશીલ રાખે છે. આ જ સર્જકની દ્યુતિ છે. આ સઘળી લઘુકથાઓનું ધ્યાન ખેંચતું તત્વ છે લાઘવ. જે લઘુકથાનું મહત્વનું લક્ષણ છે. સર્જક કથાને ઓપ આપવા વર્ણન કે સંવાદને ખપમાં લે છે પરંતુ તે તદ્દન લાઘવથી. ક્યાંક ટૂંકા વાક્યો તો ક્યાંક લયાત્મક વાક્યો સર્જકની રીતિ છે.’
મહુવાકર પતિ- પત્ની બંનેની અહીં પચ્ચીસ- પચ્ચીસ લઘુકથાઓમાં જેટલી ભિન્નતા છે, એટલી જ સામ્યતાઓ પણ છે. બંનેની લઘુકથાનાં અમુક શિર્ષકો પરથી તે ફલિત થાય છે. ‘ઘર’ શિર્ષક હેઠળ બંનેની લઘુકથાઓનો અલગ દ્રષ્ટિકોણ ભાવકને સ્પર્શે છે, તો ‘સંધ્યા’ અને ‘સાંજ – સવાર’ લઘુકથાઓ લાગણીશીલ છે, ‘દરિયા કાંઠે’ અને ‘રેતીનું ઘર’ જીવનસાગરની યાદ અપાવે છે. જીવનની સૂક્ષ્મ સંવેદનાઓને સ્પર્શતી આ લઘુકથાઓ ભાવકને દરિયાનાં ઊંડાણમાં લઈ જાય છે. અહીં કોઈને અમૂલ્ય મોતી મળી જાય તેવી સંભાવના પણ ખરી જ.
પુસ્તક પ્રકાશક: પ્રીત પ્રકાશન, ભાવનગર .
કિંમત: ₹ ૭૦/-