BOOKS REVIEW

BOOKS REVIEW

ભાવનાના વહેણમાં તરતા શ્રદ્ધાના દીવડા
(જિંદગીનાં સ્ક્રીનશોટ્સ : નિબંધો: લેખક: રવજી ગાબાણી )
••
યોગેશ પંડ્યા
નિબંધ એટલે નિર્બંધ રીતે વહેવું, ભીંજાવવું અને ભાવકના મનોજગત્ને રળિયાત કરવું!
વ્યાવહારિક જગતમાં જે ઘટના કે ક્ષણો દાહ આપે છે, એ જ ઘટના કે ક્ષણોમાંથી સર્જકને ‘મધુ’ પ્રાપ્તિ થાય છે !
પીડાદાયી પોતાની અંગત ક્ષણો ને રસ નિષ્પતિથી છલકતી બનાવવા નું કર્તવ્ય નિબંધ કારને પરિતોષ આપે છે માનવીને ભૌતિક સંપત્તિનું સુખ જેટલું આનંદ નથી આપતું એટલું સુખ તેની ભૂતકાળની વહી ગયેલા સંઘર્ષની,દર્દની,વેદનાની અને પીડાની ક્ષણો આપે છે. અને, એ ક્ષણો વાગોળવાથી જે પરિતોષ પ્રાપ્ત થાય છે તે પરિતોષ અવિનાશી છે .
માણસને જો ઉત્તમ લેખક બનવું હોય તો તેની કલમમાં ઠાંસી ઠાંસીને પીડા ભરેલી હોવી જરૂરી છે. પીડા કે દર્દ વગરનું લેખન, વાચક કે ભાવક સાથે પ્રત્યાયન સાધી શકતું નથી. ‘જિંદગીના સ્ક્રીનશોટસ’ એવી દર્દ ની શાયરી છે જેના પાને-પાને લેખકે ભોગવેલી પીડા, વેદના, માનસિક દ્વંદ, સંઘર્ષ વગેરેનો ઉત્પાત છે. એટલું જ નહિ, પરંતુ બીજાના દુઃખે દુઃખી કરનાર માનવીઓ ય મળી આવે છે.!
લેખનની તરાહો ભિન્ન ભિન્ન હોય છે. એના પ્રકારો પણ ભિન્ન હોય છે. પણ, એ લેખનમાં લેખક નો આત્મા ગેરહાજર હોય તો એ લેખન માત્ર પદાર્થ રૂપે ચોપડી કે પુસ્તક જ બની રહે છે. એ ચિરંજીવ થઈ શકતું નથી .ટેબલ ખુરશી ઉપર બેસીને નકરી ફેન્ટસીઓ લખવી, કે માત્ર કલ્પના વિહાર કરીને ઘટનાઓના સરોવરમાં સ્વૈરવિહાર કરીને કાગળ ઉપર વાર્તા ઉતારવી કે નિબંધનું આલેખન કરવું, એ સર્જકનું કર્તુત્વ નથી .પણ,જે માણસ એ ઘટનાની અંદર હાજરાહજૂર હોય, એ ઘટના એણે પોતે જીવી હોય, સળગતી રીંગમાંથી એ પસાર થયો હોય, એ જ પેલી આગની ભયાનકતાનું નિરૂપણ કરી શકે છે ! બાકી, દૂર ઊભેલો કોઈ માણસ એ ઘટના પ્રત્યે માત્ર આંગળી ચીંધી શકે. એ ઘટનાના પિંડમાં તવાયા વિના એને આળખી ના શકે!
પરંતુ, અહીં ‘જિંદગીના સ્ક્રીનશોટ્સ’ આપણને પાને પાને એ જ જિંદગી, એજ ક્ષણો, એ જ પીડ, એ જ દર્દ -યાતના કે વેદના જીવી-ભોગવી ગયાનો અહેસાસ કરાવે છે!!
– પણ એને આપણે આલેખી ન શક્યા!
– પણ એની અભિવ્યક્તિ માટે એક સર્જકનું હોવું જરૂરી છે ! એ તો સર્જક જ કરી શકે .
‘સ્ક્રીનશોટ્સ’નો મતલબ – એને સાવ અડોઅડથી, નિહાળવાની વાત છે. એને ખાલી જોવાની જ નહીં, પણ સ્પર્શવાની અને એની સાથે જીવી લેવાની પણ વાત છે!
જે છબી લેખકે પાડી છે, એ છબી જો તમે જુદા જુદા એંગલથી જોશો તો દર વખતે તમને નવા પરિમાણો જ દેખાશે .અહીં એવી એક નહીં પણ છત્રીસ છબીઓ દૃશ્યમાન છે. લેખકને મન એવું નથી કે જે ઘટના જીવ્યા કે, જે સ્મરણમાં -મનમાં આવ્યું કે તરત જ ‘ક્લિક’ કર્યું !
– ના,!! એમણે એ યાદો, સ્મરણોની વણજારને સૌ પ્રથમ પોતાના માનસ સરોવરને કાંઠે આવવા જ દીધી છે!
પછી એક ‘ઝોક’ બાંધ્યો છે. અને એ ‘ઝોક’માં મનોમન એ રાતદિવસ બેઠા છે. વિહર્યા છે. એને ભરપૂર જીવ્યા છે. પછી એ વણજાર ચાલી ગયા પછી એ ખાલીપાને એણે કલમ વાટે નિતાર્યો છે!
મને યાદ છે, નાના હતા ત્યારે ગામને પાદર પેલા કલાય કરવાવાળા આવતા. સાટિયા- સરાયા આવતા. દંગા નાખીને અઠવાડિયુ પડ્યા રહેતા…પણ, પણ…,એ તો વણઝારા !એક ગામથી બીજે ગામ ! પણ આઠ દિવસ એમનું વાસણને કલય કરવાનું મિકેનિઝમ અમે જોતાં. ખૂબ ગમતું… પછી માયા લગાડી ને તેઓ જતા રહેતા. એ માયા ની અંદર ખાલીપો અને દર્દ હતાં .પણ આજે એને વાગોળવાથી પરમ સુખ પ્રાપ્ત થાય છે .
– અહીં આવી કેટલીએ ઘટનાઓ ફરી-ફરીને વાગોળવા જેવી છે. આપણને થાય છે કે બસ એને વાગોળ્યા જ કરીએ.
****
નિબંધકાર- સર્જક રવજી ગાબાણીનની લખવા માટેની નિસબત એમના ગામ સાથે નાળના સંબંધથી જોડાયેલી છે. જેમ ગર્ભમાં રહેલા બાળકનું પોષણ નાળ દ્વારા થાય છે, એમ રવજીભાઈની અંદર રહેલા નિબંધકારનું પોષણ એમના ગામ પીપરિયાએ જ કર્યું છે .
એમનો ગામ સાથેનો નાતો , સીધો જ સર્જન પ્રદેશમાં આંગળી પકડીને એમને લઈ જાય છે. એ એમને ખબર સુધ્ધા રહી નથી કે, એવા કેટલાય અભાવોએ ત્યારે જ, રવજીના બાળમાનસમાં એવી ઘટનાઓ ના માળા બનાવી રાખ્યા હતા કે એ માળા ,જ્યારે તેમને સમજણ આવવા લાગી કે ખૂલતા ગયા! અને એ માળાના એક એક તણખલાં એમનું સર્જન બનતા ગયા.!
જિંદગીના અભાવોના વૃક્ષને જ્યારે ફળ આવે છે, ત્યારે એ ફળનો રસ બીજા કોઈ પણ ફળના રસ કરતા મધુરો હોય છે.એ રસને ચાખવા માટે કાં તો સંત હોવું જરૂરી હોય છે અથવા સર્જક હોવું જરૂરી છે!!
‘ મને મારું બાળપણ સાંભર્યા કરે છે….” માં રવજીભાઈ લખે છે કે, “ચાલને હું પાછો બાળક બની જાઉં…”
-શું કામ? -તો એનો જવાબ છે : બાળપણ એટલે જિંદગીનું રજવાડું ! એ રજવાડું ફરીવાર માણવા મળતું નથી. અત્યારે જેમ બાળકને કોઈ વસ્તુની કમી નથી તેમ પહેલા નહોતું. પહેલા તો અભાવોની જ કમી નહોતી ! **
રમવા માટે કોઈ ગેજેટ્સ નહોતા, કોઈ ઉપકરણો પણ નહોતા. છતાં એ બાળપણ આજના કરતા વધુ મધુરુ હતું. સભર હતું. યાદગાર હતું! અભાવોમાં પણ મળેલી નાની નાની ખુશીઓ અત્યારે મોટા થઈને સુખ આપે છે! ભૌતિક જિંદગીમાં ગાડી-બંગલા હોય પણ જે માનવી અભાવોમાં ઉછર્યો હોય, એને આ સુખ શાતા આપી શકતું નથી. એનું સુખ પેલી વહી ગયેલી ક્ષણો છે. એના ગર્ભમાં એવું કેટલુંયે સુખ છુપાયેલુ છે, જે પેલા સ્મરણો વાગોળવાથી પ્રાપ્ત થાય છે!
સામાન્ય માનવી માટેનું સુખ, બંગલા-ગાડી, નોકર-ચાકર છે, પણ એક સર્જકને માટે એની સાયબી એનું ભાવ જગત છે!
એના સપનાનો મહેલ એના ગામમાં આવેલું એનું તૂટેલુંફૂટેલું અને હૈયાથી, છૂટેલું ઘર છે. એનું રજવાડું ગામની ભૂમિમાં પંદરથી વીસ વર્ષ લગી આળોટેલુ એમનું બચપણ અને યુવાની છે.
વ્યવહારની દુનિયામાં જે પીડાકારક છે, તે સંવેદનના જગતમાં અલૌકિક આનંદ આપનારું માધુર્યસભર નિમિત્ત બની રહે છે. જેની પ્રતીતિ “મારો યાદગાર પ્રવાસ” વાંચતા થાય છે.
“બચપણની દુનિયા” માં નિબંધકાર લખે છે : બચપણનું સુખ કંઈક અનેરું હોય છે. એ સુખની સમૃદ્ધિ આગળ દુનિયાના તમામ સુખો ઝાંખા પડે છે. લેખક બચપણની યાદોની સંદૂક ખોલે છે ત્યારે, એ મીઠી યાદો એમને વળગી પડે છે. આ ‘વળગી પડવું’ ક્રિયાપદ જ સુખનું ઉત્તમ શિખર છે ! અને એ રીતે નિબંધકાર પરમ ભાગ્યશાળી છે. કોઈ દુન્યવી સુખની જરૂર જ નથી. આ યાદોની ગઠરી જ એટલી બધી છલકાતી છે કે તેઓને આ અલૌકિક સુખના શિખર ઉપર રહેવાનું સૌભાગ્ય સાંપડ્યુ છે. જે ગામને નિબંધકાર એ આકંઠ પીધું છે, એ જ ગામમાં જતાં લેખક પીડા અનુભવે છે. શું કામ? તો એનો જવાબ છે:” ગામને હવે ગમતું નથી!
– મણિલાલ હ. પટેલ એક જગ્યાએ લખે છે: ‘બાની સાથે ગયું બાળપણ ગામજવાની હઠ છોડી દે ….’ એમ અહીં ગામને ગમતું નથી,’માં લેખક કહે છે,’મારું ગામ ધીરે ધીરે સર્વસ્વ ગુમાવતું જાય છે. (અહીં ‘સર્વસ્વ’નો અર્થ હદયને હચમચાવી નાખનારો છે !)
નિબંધકાર આગળ લખે છે : ક્યાં ત્રણ દાયકા પહેલાનું એ ગામ?અને ક્યાં આજનું એ ગામ?! કેટકેટલું એણે ગુમાવી દીધું છે?! આજે ખાટામીઠા સંભારણાઓના સથવારે જીવતું ગામ કોઈને કોઈ કારણસર હિજરાઇ રહ્યું હોય એમ લાગી રહ્યુ છે.
આગળ નિબંધકાર જે કહે છે એ વાત બહુ દર્દ ભરી છે. : “મારું ગામ કોઈ વિધુરની મનોદશાને પોતાનામાં સાચવીને જીવતું હોય એમ લાગ્યા કરે છે. …”
ખરે જ, વિધુરનું દુ:ખ કોઈ સંસારી પુરુષ સમજી શકતો નથી. સાંજ પડ્યે ઘેર આવેલા પુરુષને પોતાની સ્ત્રીનો ચહેરો જોવાની તરસ હોય છે. વ્યાવહારિક જગતના સંઘર્ષને એ થામી નથી શકતો, ત્યારે એને જે હૂંફ અને હિંમત મળે છે, તે તેની પત્નીની જ હોય છે ! પરંતુ વિધુર થઈ ગયા પછી તો પોતાને હોંકારો આપનાર એ જીવન સંગીની ક્યાં રહી છે ? એ તો આકાશ નો તારો બની ગઈ છે!!એ વિધુર થઈ ગયેલા પુરુષને પૂછી જુઓ તો ખબર પડે કે વિધુર થઈ ગયા પછી કેટલાકના તો દરવાજા જ એને માટે કાયમને માટે બંધ થઈ જતા હોય છે!!
લેખક “ગામને હવે ગમતું નથી”…..માં પારાવાર પીડા આલેખે છે. વાત સાચી છે – ધીમે ધીમે ગામ બદલાતું જાય છે માણસ બદલાતું રહ્યું છે. હવે ગામતળ મોટા થતાં જાય છે અને મન-તળ સાંકડા થતા જાય છે !
નિબંધકાર નિબંધને અંતે લખે છે: ” ગામ અનેક સવાલો સાચવીને બેઠું છે. એકલા, હિજરાતા , ઢોર જેવું ગામ જાય તો જાય ક્યાં? નવી પેઢી બહાર નીકળી ગઈ એનો ગામને વસવસો છે. એના કરતાં વધુ વસવસો એને એ છે કે નવી પેઢી પહેલા વાર-પરબે ધામા નાખતી ,એ પણ બંધ થઈ ગયું છે. ગામને હવે લાગી રહ્યું છે કે એનાથી હવે વધુ નહીં જીરવાય !!!
-પીડાની અહીં પરાકાષ્ટા છે. કેમ કે ગામે એના કેટલાએ ગારમાટીના મકાનો કાળની થપાટે ગુમાવ્યા છે. હવે એ પેઢી દર પેઢી જેમ જેમ ખાલી થતું જાય છે, તેમ તેમ એ ખાલીપો ગામના હૃદયમાં વિસ્તરતો જાય છે.
“લાભુ ગાંડો” – એક “હૃદયદ્રાવક કથા છે. નિબંધકાર અહીં ઠલવાઈ ગયા છે. લાભુકાકા લેખકના ચિત્ત ઉપર છવાઈ ગયા છે. ગામડા ગામનો એ ભદ્રિક ભોળીઓ, એ જણ,જેની અમીરી ખાદીનું ખમીસ ,ખાદીની ચડ્ડી અને ગાંધી ટોપી છે. સાસરે ગયેલી અને પિયર આવતી ગામ ની દીકરીને લાભુકાકા જે રીતે આવકારો આપે છે, એ જોઈ ને આપણી આંખોમાં આંસુ આવી જાય છે.
લાભુકાકા વહાલપનું એક ઝરણું છે. એવા લાભુકાકા હવે નથી . લેખક ગામમાં આવે છે. લાભુ કાકા નું મૃત્યુ, એક ઘટના, લેખક માટે ટાળી ન શકાય એવી ક્ષણો છે ! લેખકને જબરો આઘાત છે કે લાભુકાકા હવે નથી!!ગામમાંથી પાછા ફરતાં લેખકની ભીતરનું ધમસાણ જુઓ : “વળતાં, બા-બાપુજીની રજા લઈ, ડેલામાં બેઠેલા માને મળી વિદાય થયો. ફરી નવાગામના રસ્તે મેં પગ ઉપાડ્યા. ‘મેલી નો ખૂંટો’, ચબૂતરો અને શાળા વટાવી થોડું ચાલ્યો .ત્યાં, કૂઈ અને અવેડો આવ્યા .થોડું વધુ ચાલ્યો ત્યાં સ્મશાન આવ્યું. હું થડકી ગયો. પગ થંભી ગયા. હૃદય ધડકી ગયું .સ્મશાનમાં ચિત્તા બળતી હતી …ત્યાં હવે કોઈ માણસો નહોતા..ચિત્તા લગભગ એની અંતિમ અવસ્થામાં હતી. ચિતા હવે લાલ ભઠ્ઠામાં ફેરવાઈ ગઈ હતી. મારા લાભુકાકાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં ભળી ગયો હતો. મારી આંખમાં ત્રીજી વખત પાણી આવ્યુ. આ વખતે આંખમાં આવેલા પાણીનું પ્રમાણ ‘કેરી’નદીમાં ચડેલી રેલ જેવું હતું !!!!
– છેલ્લી પંક્તિ સર્ગશક્તિને ઉત્તમ કક્ષાએ પહોંચાડી દે છે.
***
“બાપા નામે વારતા…” વાંચતા વાંચતા ભીના થઈ જવાય છે. પિતા સંતાનો માટે આદર્શની મૂર્તિ હોય છે .જગતના ચોકમાં માના ગુણગાન તો બહુ ગવાયા, પણ એટલા પિતાના નથી ગવાયા. પરંતુ ,સંતાનો માટે દુઃખને ઝેલી, કશુંય પણ બોલ્યા વગર, પોતાના પરિવાર અને આશ્રિતોનું ભરણપોષણ એ મૂંગે મોઢે કર્યાં કરે છે. એ પુરુષનું નામ પિતા છે . લેખક- નિબંધકાર રવજીભાઈ એમના પિતાને અનહદ ચાહે છે. અંગત રીતે હું એ પણ જાણું છું કે, એમને માટે માવતર “તીર્થ ” સમાન છે .એ માણસ(એમના પિતા) એ ,એમના જીવનમાં ભૂતકાળમાં બની ગયેલી એક ઘટનાના ખલનાયક એવા – ચોરને ક્ષમા આપી દીધી છે! આવા ક્ષમાશીલ માણસનું સંતાન હોવું એ જ મોટા આશીર્વાદ છે!!!
“હવે હું ભણીશ…”માં પણ નિબંધકાર પિતાનું ચરિત્ર હદયથી આલેખે છે.
નિબંધકાર રવજીભાઈ એક અધિકારી પણ છે. એમના કાર્યકાલ દરમિયાન થયેલા કેટલાયે કાર્યોની સુવાસ મહેકે છે .એક અમલદાર આવો ઉમદા હોય એ વાતની પ્રતીતિ અહીં લખાયેલા કેટલાયે શબ્દચિત્રો ઉપરથી થાય છે. શિક્ષક એટલે વિદ્યાર્થીની મા છે એવું મારા શિક્ષક-પિતા કહેતા. અહીં રવજીભાઈએ એમની પ્રથમની શિક્ષકની નોકરીમાં એવા કેટલાયે સત્કાર્ય કરેલા છે. તો “અભાવ વચ્ચે ભાવથી થયેલું કામ” કે, “શિક્ષકનું હૃદયપરિવર્તન,” “ઋણાનુબંધ ” જેવી વાતો છે .તો અધિકારી થયા પછીની પણ એવી કેટલીયે વાતો છે જે વાંચતા વાંચતાં આંખોમાંથી આંસુ ટપકી પડે છે!!
“પિતા વિનાની દીકરીનો પત્ર”, “સિદ્ધિની સંઘર્ષ કથા”, “નવી રીતના વહીવટની વાત” કે પછી “ઈન્દ્રજીતની રોચક સફર ની સત્યકથા” જેવી ઘટનાઓ હૃદયને હચમચાવી દે છે .
અહીં એક સંવેદનશીલ અધિકારીની કેટલીએ બાજુઓ ખુલે છે . આપણને ધારવામાં પણ ન આવે એવા પણ અધિકારી હજી રવજીગાબાણી નામે વહીવટમાં છે એનું પ્રમાણ મળતા આશા જાગે છે કે ક્યાંક તો હજી રામ બેઠા છે !!!
-નહીંતર વહીવટ એ સાવ સંવેદનવિહીન પ્રોસેસ છે પરંતુ એમણે એ વહીવટની પરિભાષા જ બદલી નાંખી. એવા કેટલાયે બનાવ અને ઘટના આ પુસ્તકમાં વાંચ્યા પછી ચોક્કસ લાગે છે કે, એક અધિકારીને બનવું જ હોય તો કોઈના સુખના સરનામાનું નિમિત્ત બની શકે છે !! એમાં કોઈ સંદેહ નથી.!!
ક્યારેક આ નિબંધો વાંચતા હદય હચમચી જાય છે. તો, ક્યારેક આંખમાથી આંસુ ટપકી પડે છે. પરંતુ, આખરે, આ નિબંધો પોઝિટિવ એનર્જી આપે છે .અને કંઈક નવી દિશા પણ આપે છે. આપણા બુઝાતા આશાના દિવડાને તે બે હથેળી આપે છે. એ નિબંધો અને કથાઓ વાંચતા-વાંચતા આપણે પણ ક્યાંક ખોવાઈ જઈએ છીએ. નિબંધોમાં રહેલું ભાષાનું પોત ઉત્તમ કક્ષાએ રચાયુ છે. બોલીતત્વનો સુચારું અને અસરકારક રીતે ઉપયોગ થયો છે.
– જિંદગીને સમજવા માટે આ નિબંધો દીવડાનું કામ કરે છે. આ નિબંધો આપણી અંદર મૃતપાય અવસ્થામાં પડેલી ચેતનાને સંકોરે છે એ ચોક્કસ છે.
– નિબંધકાર રવજી ગાબાણીએ વલોવી વલોવીને હૃદયના તળમાં પડેલી સંવેદનાની સામગ્રી અહીં પીરસી છે, જે સામગ્રીને આરોગવાથી ખરેખર તૃપ્ત થઈ જવાય, એ ચોક્કસ છે.
– યોગેશ પંડ્યા

Previous Article
Next Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Select your currency
INR Indian rupee
Have no product in the cart!
0