LOKRUSHI RAVISANKAR MAHARAJ
ગુજરાતના બીજા ગાંધી: પૂ. રવિશંકર મહારાજ
સ્પંદન ગ્રંથાલય – રિપલકુમાર પરીખ
‘ગુણિયલ ગુર્જર દેશ મહીં કો ઘૂમે સાધુ વેશે?
ટૂંકી પોતડી ટૂંકી ડગલી, ખાદીના ગણવેશે.
ભણતર નહીં, ગણતર ઘણેરુ, દુન્યવી દરવેશ,
ગુર્જર કેરું ગૌરવ ગુંજે, ગર્વ નહીં લવલેશ
જનસેવાના પાઠ પઢાવ્યા, રાષ્ટ્રનિર્માણની કાજ,
અજબ અમારા શાંતિદૂત એ, રવિશંકર મહારાજ.
માનવતાના મહેરામણને, લાખ નહીં કોટિ વંદન,
આઝાદીના અમરદીપને, અંતરકેરા અભિવંદન.’
– મોહનલાલ પટેલ.
આ વર્ષે આપણે આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છીએ, ત્યારે આપણે મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ ઉપરાંત આપણને આઝાદી અપાવનાર, આઝાદીની વિવિધ ચળવળોમાં સક્રિય રહેનાર નામી-અનામી સત્યાગ્રહીઓ અને તેમનાં જીવનચરિત્રોને પણ વાંચવા જોઈએ. આવાં જ આપણાં ગુજરાતનાં બીજાં ગાંધી કહેવાતાં એક મહાપુરુષ એટલે લોકઋષી પૂ. રવિશંકર મહારાજ.
હાલમાં જ તારીખ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ પૂ. રવિશંકર મહારાજની ૧૩૮મી જન્મજયંતી ઉજવાઈ ગઈ અને આ જ પવિત્ર દિવસે તેમની યાદમાં રવિશંકર મહારાજ પર એક નવું પુસ્તક લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા અને ઝેડ- કેડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું ‘લોકઋષી રવિશંકર મહારાજ.’
અત્યાર સુધી આપણે મહારાજને ઝવેરચંદ મેઘાણીએ લખેલ નવલકથા “માણસના દીવા” દ્વારા અને પન્નાલાલ પટેલે લખેલ નવલકથા “જેણે જીવી જાણ્યું” દ્વારા જાણ્યાં હતા. હવે અત્યારે ઘણાં સમય બાદ રવિશંકર મહારાજ પર એક લઘુ પુસ્તક તૈયાર થયું છે, જેમાં પૂ. મહારાજનાં સમગ્ર જીવનની સંકલિત કરેલી વિગતો આપણને ઉપલબ્ધ થઈ છે.
‘લોકઋષી રવિશંકર મહારાજ’ પુસ્તકનાં લેખક શ્રી હરેશભાઈ ધોળકિયાની અનુભવી કલમે આપણને અત્યાર સુધી લગભગ ૧૩૫થી વધારે પુસ્તકો મળ્યાં છે, જેમાં કલામ સાહેબનાં પુસ્તકનો ગુજરાતી ભાષામાં અનુવાદ “અગનપંખ”, સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ પર સંપાદિત પુસ્તકો ઉપરાંત ગાંધીજી, શ્રી અરવિંદ અને ભગતસિંહ ઉપર પણ તેમણે સંકલિત પુસ્તકો લખ્યાં છે. તેમનાં બીજાં પુસ્તકોમાં ચારસો ટકા આનંદ, વિચારોની રખડપટ્ટી, સુખનું સરનામું વિગેરે સામેલ છે. વ્યવસાયે શિક્ષક તથા આચાર્ય રહેલા શ્રી હરેશભાઈ ધોળકિયાની ‘કચ્છમિત્ર’ દૈનિકમાં અઠવાડીક કૉલમ પણ ચાલે છે. સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત તેઓશ્રી રામકૃષ્ણ આશ્રમમાં સેવાકીય પ્રવૃતિઓ પણ કરે છે. મહર્ષિ વિનોબા ભાવે પર પુસ્તક તૈયાર કરતાં હતાં ત્યારે તેમને પૂ. રવિશંકર મહારાજ પર પુસ્તક લખવાની પ્રેરણા મળી અને વિવિધ સંશોધનો બાદ આપણને આવું ઐતિહાસિક પુસ્તક મળ્યું. પ્રસ્તાવનામાં તેઓ લખે છે કે, ‘મહારાજની વાતો જાણવાની આજે તાતી જરૂર છે. મહારાજની સરળ અને નરવી વાણી આજની પેઢી વાંચે તો ચોક્કસ પ્રભાવિત થાય અને નિષ્કામ કર્મ કરવા તૈયાર થાય.’
શ્રી રવિશંકર વ્યાસનાં લોકહિતના કાર્યો અને નિ:સ્વાર્થ પ્રવૃતિઓના કારણે લોકોએ જ તેમને ‘મહારાજ’ નું બિરૂદ આપ્યું હતું, એવા ‘કરોડપતિ ભિખારી’, ગુજરાતમાં ભૂદાનના પ્રણેતા, મૂકસેવક, મુઠ્ઠી ઊંચેરા માનવી, બોરીન્ગવાળા મહારાજ, કળીયુગના ઋષી, વાત્સલ્યમૂર્તિ, પ્રેમ અને કરુણાનો ઘૂઘવતો મહાસાગર પૂ. રવિશંકર મહારાજને શત શત વંદન. અહીં એક રાજીપોએ પણ છે કે આ જ વર્ષે મહારાજનાં સમાજસેવાના મૂળમંત્રને ચરિતાર્થ કરવા માટે “રવિશંકર મહારાજ વિચારયાત્રા-૨૦૨૨”નું પણ આયોજન થનાર છે.
તો આવો, આ ઐતિહાસિક પુસ્તકમાં સમાવિષ્ટ મહારાજની વાણીને માણીએ.
* યજ્ઞ એટલે ઘસાઈ છૂટવું, આપણે બીજા માટે ઘસાઈ છૂટીએ અને ઘસાઈને ઉજળા થઈએ.
* પુસ્તકો શું છે? મહાપુરુષોના વિચારોને સંઘરી રાખવાની પેટી. સેંકડો વર્ષ પહેલાંનાં મહાપુરુષો સાથે વાતો કરવી હોય, તો ચોપડી કાઢીને બેઠા વાતો કરવા. પુસ્તક એ પવિત્ર ચીજ છે. પુસ્તકોની આપણને જરૂર પડશે. મહાપુરુષોને ઓળખવા પુસ્તકો વાંચવાં પડશે.
* વિધાર્થીઓને ભણાવવાને બદલે વિદ્યાર્થીઓ પાસે ભણે, તે જ સાચો શિક્ષક.
* બીજાને ઉપયોગી થવાય એ રીતે જીવવાની કળાનું નામ એટલે સર્વોદય.
* પછાત કોણ? પછાત તો એ છે જે જાતે મહેનત નથી કરતાં અને બીજાની મહેનત પર જીવે છે. પછાત તો એ છે જે જુઠ્ઠું બોલે છે, લોકોને છેતરે છે, બીજાનું શોષણ કરે છે. – આદરાન્જલિ
‘બસ ! મહારાજની આ જ ખૂબી છે ! તેમને જે કામ સોંપો, તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે! અને તેથી જ એમનું કામ ઝળકે છે અને તેની વધુ અસર પડે છે.’ – ગાંધીજી.